
હોટેલ અને રેસ્ટોરન્ટસને રાત્રે 12 વાગ્યા સુધી ફૂડ ડિલિવરી માટે મંજૂરી આપવા PMને રજુઆત
અમદાવાદઃ મહાનગરો સહિત 20 જેટલા નાના મોટા શહેરોમાં રાત્રિ કરફ્યુને કારણે હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. આથી હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા (એચઆરએડબ્લ્યુઆઇ) અને હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ગુજરાત (એચઆરએ-ગુજરાત)એ વડાપ્રધાનને રાત્રે 12 વાગ્યા સુધી ટેક અવે અને હોમ ડિલિવરી સેવાઓને મંજૂરી આપવા માટે રજૂઆત કરી છે. ઉદ્યોગની વર્ષોથી ચાલતી કટોકટીને ધ્યાનમાં રાખીને, સરકારને કેટલીક છૂટ માટે વિનંતી કરી છે. ટૂંકમાં આ અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે.જોકે શહેરી વિસ્તારોમાં કોવિડના કેસ વધતા જાય છે ત્યારે તેના નિયમોનું પાલન કરાવીને છૂટ આપવામાં આવે તેવી શક્યતા છે.
હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનોએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં 35000થી વધુ હોટલ, રેસ્ટોરેન્ટસ, નાના ફૂડ ઈટરીઝ અને કેફે છે જે 10થી 12 લાખ લોકોને સીધી રોજગારી આપે છે. વર્તમાન પ્રતિબંધો સાથે, આમાંના મોટાભાગના લોકોને બેકારીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા પરિવારો માત્ર ડિલિવરી કર્મચારીઓની આવક પર ટકી રહે છે. નોકરી, અધ્યયન, તબીબી કારણોસર વિવિધ હેતુઓ માટે રાજ્યમાં વસતા ઘણા સ્થળાંતર, રેસ્ટોરાં અને ખાણીપીણી વસ્તુઓમાંથી તેમને આપવામાં આવતા ફુડ પાર્સલ પર આધારિત છે. ઉપરાંત, એવા ઘણાં ઘરો છે કે જ્યાં પરિવારના બધા સભ્યો કોવિડ-19 નો શિકાર બન્યા છે અને તેઓ પણ આદેશ કરેલા ખોરાક પર આધારિત છે. ટેકઅવે અને ફૂડ ડિલિવરી સેવાઓ આપવી ઉદ્યોગને ટકી રહેવામાં મદદ કરશે અને તે પણ સુનિશ્ચિત કરશે કે સરકારને કોઈ મોટી રાહત આપવાનો ભાર નહીં પડે.
ગુજરાતનો હોસ્પિટાલિટી ઉદ્યોગ ભારતના જીએસટીમાં સૌથી વધુ ફાળો આપે છે. તેમાં ફાળો આપતા ભારતના ટોચના પાંચ રાજ્યોમાંનું એક ગુજરાત છે. આ ઉદ્યોગ સંગઠિત સેગમેન્ટમાં આશરે 2 થી 3 લાખ લોકોને ટેકો આપે છે અને 40,000થી 50,000 અકુશળ સપ્લાયર્સ અને વિક્રેતાઓ આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. એચઆરએડબ્લ્યુઆઇના સૂત્રોએ જણાવ્યું કે ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ઉદ્યોગ છેલ્લા એક વર્ષથી ભારે સંકટ હેઠળ છે. ઘણા નાના ઉદ્યોગસાહસિકો આટલા લાંબા સમય સુધી સતત નુકસાનથી બચી શક્યા ન હતા અને તેમનો ધંધો બંધ કરી દીધો છે. નિષ્ફળ ઉદ્યોગ માલિકો અને ઉદ્યોગસાહસિકને તો નાદાર બનાવશે જ, પણ લાખો લોકોને બેરોજગાર કરશે.આ બધાને ધ્યાનમાં રાખીને, અમે વડા પ્રધાનને વિનંતી કરી છે કે રાત્રે 12 વાગ્યા સુધી ગુજરાતમાં ટેકઅવે અને ફૂડ હોમ ડિલિવરી સેવાઓની પરવાનગી મળવી જોઈએ.