 
                                    રાજકોટઃ કોરોના સંક્રમણને કારણે રાજ્યભરના માર્કેટ યાર્ડ બંધ હતા પણ કોરોનાના કેસમાં ઘટાડો થતા અને સરકારે નિયંત્રણો હળવા કરતા મોટાભાગના માર્કેટ યાર્ડ ફરી ધમધમતા થવા લાગ્યા છે. રાજકોટનું માર્કેટ યાર્ડ એક સપ્તાહથી ધમધમતું થયુ છે છતાં હજુ ઘઉં ચણા જેવી જણસીઓના વેપાર શરૂ થઈ શકયા નથી. જયારે તેની હરરાજી કરવા માટે પુર્વ રજિસ્ટ્રેશન તથા ટોકન સિસ્ટમ દાખલ કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે.
માર્કેટ યાર્ડનાં સુત્રોએ જણાવ્યું હતું કે રાજકોટના માર્કેટ યાર્ડમાં ઘઉ-ચણા સિવાયની લગભગ તમામ જણસીઓની હરરાજી-વેપાર શરૂ કરી દેવાયા છે. ઘઉં-ચણા મામલે એકથી વધુ વિઘ્નો છે. તેની છૂટ અપાવાના સંજોગોમાં માલના ઢગલા થઈ શકે છે. કારણ કે બન્ને ચીજોની સિઝનલ હોવાથી માલનો ભરાવો થતા યાર્ડ છલકાય જાય તેમ છે. ચોમાસુ માથે છે, પ્રિ-મોન્સુન વરસાદ ખાબકે તો પડતર માલને નુકશાન થઈ શકે છે. બીજીબાજુ ઘઉં-ચણાની હરાજી-વેપાર ચાલુ કરવા માટે ખેડુતો તથા વેપારીઓનું પ્રચંડ દબાણ છે. ત્યારે હવે રજીસ્ટ્રેશન અને ટોકન સિસ્ટમથી તે ચાલુ કરવા આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે.મોટાભાગે આવતા સપ્તાહથી તે શરૂ કરી દેવાશે ખેડૂતો જંગી માત્રામાં માલ ન ઠાલવે તે માટે અગાઉથી રજીસ્ટ્રેશન વારાફરતી હરાજી પ્રક્રિયા કરવામાં આવશે.
માલનો ઢગલો ન થાય ભીડ એકત્રીત ન થાય અને કોવિડ નિયમોનું પાલન થઈ શકે તે માટે આ પ્રકારનું આયોજન વિચારાયુ છે. એકાદ સપ્તાહથી ખુલી ગયેલા માર્કેટ યાર્ડમાં અનેક જણસીઓની ચિક્કાર આવક થતી હોવાથી અને માલ પડતર રહેતો હોવાથી નવી આવક બંધ કરવાની નોબત આવી જ રહી હતી. મગફળી, મરચા,લણણ, રાયડો વગેરેમાં આવુ બન્યુ હતું હવે તલમાં આવકના ઢગલા થયા છે. શનિવારે 40,000 ગુણીની રેકોર્ડબ્રેક આવક થઈ હતી. વેપારીઓએ કહ્યું કે ઉનાળુ તલનુ મોટુ વાવેતર થયુ હતું એટલે આવક અપેક્ષિત જ હતી. હજુ આવકનું જોર રહે તેમ છે. જંગી આવકથી ભાવ પણ ઘટીને 1270 થી 1596 બોલાયા હતા.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

