મુંબઇમાં આવી ગયું જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન, એક યુનિટ માટે આટલા રૂપિયા ચૂકવવા પડશે
- મુંબઇને પહેલું જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન મળ્યું
 - એક યુનિટ માટે માત્ર 15 રૂપિયા ચૂકવવા પડશે
 - રાજ્યમાં જાહેર પાર્કિંગ સ્થળોએ આવનાર આ પ્રકારની પ્રથમ સુવિધા છે
 
નવી દિલ્હી: દેશને પ્રદૂષણમુક્ત કરવા તરફ સરકાર પ્રયાસરત છે ત્યારે આજે બૃહન્દમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને દાદરમાં મુંબઇનું પ્રથમ જાહેર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યું છે. મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ દાદરના કોહિનૂર બિલ્ડિંગના પાર્કિગમાં EV ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્વાટન કર્યું હતું. EV સાર્વજનિક સ્ટેશન, જે એક સમયે સાત ઇવી સુધી રિચાર્જ કરી શકે છે. રાજ્યમાં જાહેર પાર્કિંગ સ્થળોએ આવનાર આ પ્રકારની પ્રથમ સુવિધા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર નવા લૉન્ચ થયેલા EV ચાર્જિંગ સ્ટેશન વપરાશકર્તાઓ માટે 24 કલાક ખુલ્લા રહેશે. સ્ટેશન પર ઉપલબ્ધ સાત ચાર્જર પૈકી ચાર ફાસ્ટ ચાર્જર છે, જે લગભગ એક થી દોઢ કલાકમાં ઇલેક્ટ્રિક કારને સંપૂર્ણપણે ચાર્જ કરી શકે છે. અન્ય ત્રણ નિયમિત ચાર્જર છે જે લગભગ 6 કલાકમાં ઇલેક્ટ્રિક કારને સંપૂર્ણપણે રિચાર્જ કરવા માટે સક્ષમ છે. BMC વાહનો ચાર્જ કરવા માટે 15 રૂપિયા પ્રતિ યુનિટ ચાર્જ લેશે.
ઉદ્વાટન બાદ આદિત્ય ઠાકરેએ કહ્યું કે, ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણને બચાવવા માટે આ એક પગલું છે. તેમણે ટ્વિટ કર્યુ કે, મુંબઇના કોહિનૂર ભવનમાં EV પાર્કિંગનું ઉદ્વાટન કર્યું. આ ખૂબ જ પ્રોત્સાહક છે.
આદિત્ય ઠાકરેએ એમ પણ લખ્યું હતું કે, “અમે લગભગ એક મહિના પહેલા અમારા રાજ્યની EV નીતિ જાહેર કરી હતી. તમામ મોરચેથી આવા પ્રયાસો જોઈને આનંદ થાય છે.
નોંધનીય છે કે, પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ વચ્ચે વાયુ પ્રદુષણને અટકાવવા માટે ઈલેકટ્રિક વાહનો ખુબ મહત્વનો ભાગ ભજવશે. ભારતમાં હજુ આ અંગે જાગૃતી આવી રહી છે . વધારે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવાથી આપણ આપણા વાતાવરણને બચાવી શકીએ છીએ.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

