 
                                    દિલ્હીઃ હરિયાણાના ઈજ્જરમાં બાદલી પાસે કુંડલી-માનેસર-પલવલ કેએમપી એક્સપ્રેસ-વે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં લગભગ 9 વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિલ લઈ જવાયા હતા. મૃતદેહને બહાદુરગઢની સિવિલ હોસ્પિટલમાં મોકલી આવી હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આજે સવારે એક મોટરકારમાં 11 વ્યક્તિઓ સવાર થઈને રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના નોહર પાસે આવેલા ગોગામેડી ધામ ખાતે મેળામાં જઈ રહ્યાં હતા અને ગાઝિયાબાદના સિરસાગંજ વિસ્તારમાં રહેતો હતો. કારને પાછળથી આવતી ટ્રકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેથી કારમાં સવાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટના સ્થળ ઉપર જ આઠ વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે બે બાળકોની હાલત ગંભીર છે. કારમાં શિવકુમાર શર્મા, તેમની પત્ની મુન્ની દેવી, દીકરો મનોજ, મનોજની પત્ની, શિવકુમારની દીકરી આરતી, જમાઈ ઉમેશ, અન્ય દીકરી ખુશબુ અને છ મહિનાની પૌત્રી તથા અઢી વર્ષીની પૌત્રી પણ સવાર હતી. આ દુર્ઘટનામાં આતરી અને અઢી વર્ષની દીકરીનો બચાવ થયો છે.
દરમિયાન આ દૂર્ધટનાને જોવા માટે રોડ ઉપરથી પસાર થતી કારની ચાલકે વાહન ધીમુ કરતા અન્ય એક ટ્રક સાથે કારનો અકસ્માત થયો હતો. જેમાં કારના ચાલકનું કરૂણ મોત થયું હતું. આમ આ દૂર્ઘટનામાં નવ વ્યક્તિઓના મોત થયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, શિવકુમાર શર્માની કારનો ભુકડો બોલી ગયો હતો.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

