UPમાં યોગી, પંજાબમાં ચન્ની અને ઉત્તરાખંડમાં હરીશ રાવત CM તરીકે પ્રજાની પ્રથમ પસંદગીઃ સર્વે
દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચેક રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે, તમામની નજર ઉત્તરપ્રદેશની ચૂંટણી ઉપર છે. સંસદમાં પહોંચવાનો માર્ગે ઉત્તરપ્રદેશથી જતો હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે જેથી ભારતના રાજકારણમાં ઉત્તરપ્રદેશનું સૌથી વધારે મહત્વ છે. દરમિયાન એબીપી-સી વોટર દ્વારા ઉત્તરપ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં નવેમ્બર મહિનામાં સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં આ રાજ્યોમાં મુખ્યમંત્રી તરીકે કયાં નેતા સૌથી લોકપ્રિય છે.
ઉત્તરપ્રદેશમાં લગભગ 41.4 ટકા લોકો મુખ્ય તરીકે યોગી આદિત્યનાથને જોઈ રહ્યા છે. જ્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને 31. 7 ટકા લોકો મુખ્ય પ્રધાન તરીકે જોવા માંગે છે. માયાવતીને લગભગ 15.6 ટકા અને પ્રિયંકા ગાંધીને 4.9 ટકા લોકો સીએમ તરીકે જોવા માંગે છે.
પંજાબમાં મુખ્ય પ્રધાન પદે હાલના સીએમ ચરણજીત સિંહ ચન્નીને સૌથી વધારે પસંદ કરે છે. ચન્નીને 30.9 ટકા લોકો સીએમ તરીકે જોવા માંગે છે. અરવિંદ કેજરિવાલને 20.8 ટકા, સુખબીરસિંહ બાદલને 16.1 ટકા, ભગવંત માનને 13.9 ટકા, અમરિંદર સિંહને 7.5 ટકા લોકો સીએમ તરીકે પસંદ કરે છે. જ્યારે નવજોત સિંહ સિદ્ધુને 4.7 ટકા લોકો સીએમ તરીકે જોવા માગે છે.
ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પદ માટે લોકોની પ્રથમ પસંદ હરીશ રાવત છે. 31.5 ટકા લોકો હરીશ રાવતને સીએમ તરીકે જોવા માગે છે. બીજા નંબર ઉપર પુષ્કર સિંહ ધામીને 27.7 ટકા લોકો, અનિલ બલૂનીને 18.3 ટકા, કર્નલ અજય કોઠિયાલને 8.8 ટકા, બીસી ખંડૂરીને 3.6 ટકા, સતપાલ મહારાજને 2 ટકા લોકો મુખ્યમંત્રી તરીકે પસંદ કરે છે.