
માતૃભાષા દિવસ: માતા-પિતામાં અંગ્રેજીની ઘેલછા અને તંત્રની ઉદાસીનતાને પગલે ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓ ઘટ્યાં
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં આજે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની માતા-પિતાની ઘેલછાને કારણે રાજ્યમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ અંગ્રેજી માધ્યમની ખાનગી સ્કૂલો બિલાડીની ટોપની જેમ વધી રહી છે. ગુજરાત બોર્ડના આંકડા મુજબ વર્ષ 2014માં ધો-10માં ગુજરાતી માધ્યમમાં 9.76 લાખ વિદ્યાર્થી હતા. જેની સામે વર્ષ 2020માં આ આંકડો ઘટીને 7.03 લાખ જેટલો રહ્યો હતો. જ્યારે બીજી તરફ અંગ્રેજી માધ્યમમાં વર્ષ 2014માં 48 હજાર જેટવા વિદ્યાર્થીઓ નોંધાયાં હતા. જેની સામે વર્ષ 2020માં આ આંકડો વધીને 77 હજાર જેટલો થયો હતો. સંતાનોના ઉજળા ભવિષ્ય માટે અંગ્રેજી માધ્યમમાં મુકતા હોવાનો લૂલો બચાવ વાલીઓ કરી રહ્યાં છે. બીજી તરફ તંત્ર ગુજરાતી ભાષાના વ્યાપ વધારવા માટે અસરકારક પગલામાં અસફળ રહ્યાંનું મનાઈ રહ્યું છે. જેથી ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા માટે અસરકાર પગલા ભરવા જોઈએ તેવુ તજજ્ઞો માની રહ્યાં છે.
ઘરમાં બાળકના જન્મ બાદ જે ભાષા સાંભળીને મોટુ થાય છે તેને માતૃભાષા કહેવામાં આવે છે. ગુજરાતમાં વિવિધ રાજ્યોમાંથી રોજગારીની શોધમાં આવેલા લોકો પણ વસવાટ કરે છે. હાલ રાજ્યમાં ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી સહિતની માધ્યમની સ્કૂલો છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં વધારો થયો છે. બીજી તરફ ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ધો.10માં જે રીતે વિદ્યાર્થીઓ માધ્યમની પસંદગી કરે છે તેનાથી અંગ્રેજી કે ગુજરાતી માધ્યમ પૈકી ક્યા માધ્યમમાં પસંદગીનો ઝોક વધ્યો છે તે સ્પષ્ટ થઇ જાય છે. જેમ કે ઇ.સ.2014ના વર્ષમાં ધો.10માં જીએસઇબીમાં ગુજરાતી માધ્યમ પસંદ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 9,75,892 હતી તે તબક્કાવાર ઘટીને 2020ના વર્ષમાં બોર્ડે પરીક્ષા લીધી તેમાં ઘટીને 7,02,598 થઇ ગયેલી એટલે કે 6 વર્ષમાં 2,73,294 વિદ્યાર્થીઓ માતૃભાષાના માધ્યમમાં ઘટ્યા છે. જે માતબર ઘટાડો છે. આવી જ રીતે ઇ.સ.2014ના વર્ષમાં ગુજરાત બોર્ડમાં અંગ્રેજી માધ્યમ પસંદ કર્યુ હોય તેવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 48,351 હતી તે 2020માં પરીક્ષા લેવામાં આવી (2021માં કોરોનાને લીધે પરીક્ષા લેવાઇ ન હતી) ત્યારે 77,388 થઇ ગયા હતા. આમ, 6 વર્ષમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓમાં ગુજરાત રાજ્યમાં 29,037નો વધારો થયો હતો. જે દર્શાવે છે કે એક માધ્યમ તરીકે માતૃભાષા ગુજરાતી કરતા અંગ્રજી કાઠું કાઢતું જાય છે.