
તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ બાદ હવે ભારતમાલા હાઇવે પ્રોજેક્ટ સામે આદિવાસીઓનો વિરોધ
વાંસદા : પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટનો વિરોધ હજી શમ્યો નથી ત્યાં હવે ભારતમાલા પ્રોજેકટના વિરોધ આદિવાસીઓ દ્વારા વિરોધ ઊભો થયો છે. મુંબઈ-દિલ્હી કોરિડોર જે ભારતમાલા અંતર્ગત બનવાની શરૂઆત કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં આદિવાસીઓએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાલા મુંબઈ દિલ્હી કોરિડોરનો સર્વે હાથ ધરાયો છે. જેનો વિરોધ પ્રોજેકટમાં પ્રભાવિત થનારા ગરીબ આદિવાસી સમાજ કરી રહ્યો છે. વગર નોટિસ કે જાણકારી વગર આદિવાસીની જમીનની માપણી શરૂ કરાતાં આદિવાસી સમાજએ ભારતમાલાનો વિરોધ કરી મોટી સંખ્યામાં આદિવાસીઓએ રેલી કાઢી હતી. જેના મુખ્ય આગેવાન તરીકે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ આદિવાસીની વાહરે આવીને સમર્થન કર્યું છે.
જળ, જંગલ અને જમીનના રક્ષક ગણાતા આદિવાસીઓની જમીન વિકાસના નામે એમના હાથોમાંથી નીકળવાના ભયના કારણે અને આદિવાસી સમાજનુ વિસ્થાપિત થવાના એંધાણને લઈને આદિવાસી સમાજ એક થઈને કેદ્ર સરકારના ભારતમાલા પ્રોજેકટ રદ્દ થાય તે માટે આંદોલનનુ હથિયાર ઉગામ્યુ છે. ગરીબ આદિવાસી નાની નાની જમીન થકી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને અચાનક ભારતમાલાનો વિકાસ આદિવાસી સમાજ પર પડતા મુશ્કેલીમાં મુક્યા છે. જેને લઈને વાંસદા ગામમાં આદિવાસીઓ ભેગા મળીને સરકાર સામે આવી ગયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીખલી ખાતે જનસભા જુનમાં યોજાવાની છે, ત્યારે આદિવાસી સમાજના વિરોધને ખાળવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.