
અમદાવાદઃ શહેરના સાબરમતી નદી પર પતંગ આકારનો તૈયાર કરાયેલો 300 મીટર લાંબા ફૂટબ્રીજ પર ચાલવા માટે શહેરીજનો કાગડોળે પ્રતીક્ષા કરી રહ્યા છે, આઈકોનિક ફુટ બ્રીજ એ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ત્યારે શહેરીજનોને આઈકોનિક ફુટ બ્રિજમાં પ્રવેશ માટે પૈસા ચુકવવા પડશે. એટલે કે નદીપાર કરવા માટે ફુટબ્રિજમાં પ્રવેશવા માટે એન્ટ્રી ફી લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સાબરમતી ફુટબ્રિજમાં પ્રવેશ માટે એન્ટ્રી ફી રાખવાનું સક્રિય રીતે વિચારી રહ્યું છે. આ બ્રીજનું કામકાજ તો એક મહિના પૂર્વે જ તૈયાર થઇ ગયું છે, અને તેના ઉદઘાટન માટે રાહ જોવાઇ રહી છે. સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એસઆરએફડીસીએલ)એ આ બ્રીજ માટે ફી રાખવાનું નક્કી કરી નાખ્યું છે. જોકે, ફી કેટલી રાખવી તે મ્યુનિ. કોર્પોરેશનની મિટિંગમાં નક્કી કરાશે પરંતુ એક અધિકારીના કહેવા મુજબ સાબરમતી ફુટ ઓવરબ્રિજ પર પ્રવેશ માટેની ફી રૂ. 10થી 25ની વચ્ચે હોઇ શકે છે.
સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના સૂત્રો એવો દાવો કરી રહ્યા છે કે, સાબરમતી ફુટ બ્રિજમાં પ્રવેશ માટે ફી રાખવાને કારણે રાત્રે કલાકો સુધી બ્રીજ પર રખડતા લોકો અટકી જશે. આ બ્રીજ શહેરનું અનેરું આકર્ષણ હોવાથી તેને જાળવી રાખવાનું મહત્ત્વનું છે. 300 મીટર લાંબો અને 14 મીટર પહોળો આ બ્રીજ સરદાર બ્રીજ અને એલિસ બ્રીજની વચ્ચે નદી પર બાંધવામાં આવ્યો છે. આ પુલ ઉપર અને નીચેના બંને માર્ગોથી સંપર્ક કરી શકાય છે. ટેબ્યુલર, સ્ટીલ સુપરસ્ટ્રક્ચરમાં ત્રણ સ્પાન્સ છે. પતંગથી પ્રેરિત આ સ્ટ્રક્ચર 74 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની મંજૂરી માર્ચ, 2018માં આપી દેવામાં આવી હતી, પરંતુ કોવિડ રોગચાળાને કારણે તેને બાંધવામાં વિલંબ થયો હતો.’ આ બ્રીજની વિશેષતા એ છે કે તેની પર લોકો ચાલી શકશે અને સાઈકલ પણ ચલાવી શકશે અને તે પૂર્વ અને પશ્ચિમ દિશાને જોડશે. ઉપરાંત ઉપરાંત નદીની સુંદરતાને પણ માણી શકશે. (file photo)