 
                                    અમદાવાદઃ ગુજરાત 108 ઈમરજન્સી સેવામાં મોખરે છે. લોકોને ત્વરિત તબીબી સેવા મળી રહે તે માટે 800 જેટલી એમ્બ્યુલન્સ વાન, તેમજ દરિયાઈ વિસ્તારોમાં બે બોટ અને એક એર એમ્બ્યુલન્સ 24 કલાક કાર્યરત રહે છે. 108 એમ્બ્યુલન્સ વાનમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારનાં લોકોને મળે છે. 108 સેવાનાં અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા હાઈટેક ટેકનોલોજીથી સુસજ્જ એક વિશાળ “ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર” પણ કાર્યરત કરવામાં આવ્યું છે, જેના દ્વારા સતત મોનીટરીંગ કરી નાગરિકોને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
રાજ્યમાં અકસ્માત કે આપત્તિનાં સમયે ઇજાગ્રસ્ત-બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ વર્ષ 2007થી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજન હેઠળ થયો હતો. આગામી 29 ઓગસ્ટ, 2022ના રોજ 108 સેવા ગુજરાતમાં 15 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરશે. જી.વી.કે. ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયુટ અને ગુજરાત સરકારની લોકભાગીદારીથી શરુ થયેલી આ સેવા આજે વિશ્વાસ અને ચોક્સાઇનો પર્યાય બની છે, જે તમામ પ્રકારની ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે કટીબધ્ધ છે. સાથે-સાથે તેના કાર્યથી લોકમાનસમાં સંપાદિત થયેલો વિશ્વાસ પણ અભૂતપૂર્વ છે. 108 દ્વારા મે-2022 સુધીમાં રાજ્યભરમાંથી લગભગ 1 કરોડ 35 લાખ 21 હજારથી પણ વધુ ઇમરજન્સી હેન્ડલ કરીને જરૂરિયાતમંદને તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડી છે. આ ઉપરાંત ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રેગ્નન્સી સંબંધિત કેસમાં 45 લાખ 90 હજારથી પણ વધુ ઈમર્જન્સી, રોડ અકસ્માત સંબંધિત 16 લાખ 84 હજારથી વધુ ઈમર્જન્સી તેમજ 12 લાખ 46 હજારથી પણ વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમના જીવ બચાવવામાં આવ્યા છે. વધુમાં 108 એમ્બ્યુલન્સમાં કાર્યરત ઇમરજન્સી મેડીકલ ટેક્નીશીયન દ્વારા 76,565 મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં જ તેમજ 42,545 મહિલાઓની સ્થળ પર જ સલામત પ્રસૂતિ કરાવીને ઉત્તમ આરોગ્ય સેવાનો દાખલો પૂરો પાડ્યો છે.
ગુજરાતમાં માત્ર 53 એમ્બ્યુલન્સથી શરૂ થયેલી 108 ની આ આરોગ્યલક્ષી સેવામાં આજે રાજ્યભરમાં કુલ 802 એમ્બ્યુલન્સ કાર્યરત છે. દરિયામાં બિમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવીને 108 બોટ એમ્બ્યુલન્સ સેવા હેઠળ રાજ્યમાં ૨ બોટ એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે. તેમજ એર એમ્બ્યુલન્સની સેવા પણ કાર્યરત કરવામાં આવી છે.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

