1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં માધાપર ચોકડીએ માત્ર દોઢ ઈંચ વરસાદમાં ગોઠણસમા પાણી ભરાયાં
રાજકોટમાં માધાપર ચોકડીએ માત્ર દોઢ ઈંચ વરસાદમાં ગોઠણસમા પાણી ભરાયાં

રાજકોટમાં માધાપર ચોકડીએ માત્ર દોઢ ઈંચ વરસાદમાં ગોઠણસમા પાણી ભરાયાં

0
Social Share

રાજકોટઃ શહેરમાં પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ નિવડ્યો હોય તેમ માત્ર દોઢ ઈંચ વરસાદમાં જ ગોઠણસમા પાણી ભરાયા હતા.  શહેરમાં સોમવારે બપોર બાદ વીજળીના કડાકાભડાકા સાથે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરના જામનગર રોડ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, રેસકોર્સ, રૈયા રોડ, કિશાનપરા ચોક, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ અને મોરબી રોડ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો, આથી શહેરના મુખ્ય માર્ગો પર એકથી બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં છે. માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાતાં બાઇક, રિક્ષા બંધ પડી જતાં ચાલકો પરેશાન થયા હતા.

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે NDRFની ટીમને રાજકોટ જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે,  જેમાં NDRF ટીમ દ્વારા બચાવની કામગીરી માટે લાઈવબોય, લાઈવ જેકેટ,રબ્બરની બોટ તેમજ વૃક્ષો કાપવાનાં કટિંગ મશીનો સહિતનાં સાધનો સાથે સજ્જ રાખવામાં આવ્યાં છે. NDRFની ટીમ જે જગ્યા પર વધારે વરસાદ અને બચાવની કામગીરીની જરૂર હશે એ તરફ જઇને કામગીરી કરશે.

રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોને પણ વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જસદણના આટકોટ, જંગવડ, પાચવડા, ગુંદાળા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, આથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. શહેરની માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાયાં હતા, આથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે સાંજે વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. દિવસભર બફારો અને આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને 7 કલાકે વરસાદ શરૂ થયો હતો. વરસાદ બાદ સાંજના સમયે ઠંડો પવન રહેવાને કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટના 3, જામનગરના 1 અને મોરબીના 1 અને દેવભૂમિ દ્વારકાના 2 સહિત 7 જળસ્રોતમાં સામાન્યથી લઇને 14.11 ફૂટ સુધીની નવાં નીરની આવક નોંધાઇ હતી. સૌથી વધુ દ્વારકાના શેઢાભાડથરીમાં 14.11 ફૂટની આવક થઇ હતી. દરમિયાન 84 પૈકી 43 જળાશય ઉપર સામાન્યથી લઇને ચાર ઇંચ સુધીનો વરસાદ થયો છે. દરમિયાન ડેમ સાઇટ પર વરસાદને પગલે ધીમી ધારે નવાં પાણીની આવકનું પ્રમાણ જારી છે.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code