
કચ્છના લખપતમાં થોડા દિવસના વરસાદમાં જ ડેમ થયા ઓવરફ્લો,નદીઓ બે કાંઠે વહેતી થઈ
રાજકોટ: હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ક્યાક જોરદાર તો ક્યાંક સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. આવામાં કચ્છના લખપતમાં વરસેલા વરસાદના કારણે સ્થાનિક ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ ગઈ છે.
જાણકારી અનુસાર કચ્છ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. અહીંના લખપત તાલુકામાં 24 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે રામપર નજીક આવેલો મીઠી ડેમ ઓવરફ્લો થતાં રામપર નદીના પાણી બે કાંઠે વહેતા થયા છે. મધ્યમ કક્ષાનો ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અબડાસા અને લખપતને જોડતો માર્ગ બંધ થઈ જતાં અહીં સંપૂર્ણ વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. જેના પગલે અહીંના કપુરાશી અને કોરિયાણી ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં આ સિઝનમાં અત્યાર સુધીનો સરેરાશ 27.69 ટકા વરસાદ થયો છે. રાજ્યના 12 તાલુકાઓમાં 0.2 ઈંચ વરસાદ, તો 69 તાલુકાઓમાં 2 થી 5 ઈંચ વરસાદ થયો છે. જ્યારે 88 તાલુકા એવા છે, જ્યાં સિઝન દરમિયાન 5 થી 10 ઈંચ વરસાદ થયો છે. આ સિવાય કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 51.84 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસાદ થયો હતો. સૌથી વધુ 11 ઈંચ વરસાદ લખપતમાં નોંધાયો છે. જે બાદ વલસાડના કપરાડામાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે.