
અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે સ્વાઈન ફ્લૂએ માથુ ઉચક્યું
અમદાવાદઃ મેગાસિટી અમદાવાદ શહેરમાં કોરોનાની સાથે હવે સ્વાઈન ફ્લૂ પણ ફરીથી માથુ ઉચકી રહ્યું છે. દરમિયાન ગણતરીના દિવસોમાં જ સ્વાઈન ફ્લૂ પોઝિટિવ દર્દીઓનો આંકડો વધીને 100ને પાર પહોંચ્યો છે. કોરોનાની સાથે સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે તેમજ રોગચાળાને ડામવા કવાયત શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે શરદી, તાવ, મલેરિયા અને ટાઇફોઇડ સહિતના રોગોએ માઝા મૂકી છે. જેથી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, દરમિયાન કોરોનાના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે.
અમદાવાદમાં ઓગસ્ટના માત્ર 8 દિવસમાં જ સ્વાઇન ફ્લૂના 120 કેસ પોઝિટિવ મળી આવ્યાં છે. જેમાંથી 108 કેસ પ્રાઇવેટ હોસ્પિટલમાં અને 12 કેસ ગવર્મેન્ટ હોસ્પિટલમાં નોંધાયા છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સ્વાઇન ફ્લૂના 154 કેસ નોંધાયા હતા.
અમદાવાદમાં કોરોનાની સાથે સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ સ્વાઈન ફ્લૂને વધારે ન ફેલાય તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.