1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીધામના ઉબડ-ખાબડ રસ્તાઓથી નાગરિકો પરેશાન, રજુઆત છતાં પ્રશ્ન ઉકેલાતો નથી
ગાંધીધામના ઉબડ-ખાબડ રસ્તાઓથી નાગરિકો પરેશાન, રજુઆત છતાં પ્રશ્ન ઉકેલાતો નથી

ગાંધીધામના ઉબડ-ખાબડ રસ્તાઓથી નાગરિકો પરેશાન, રજુઆત છતાં પ્રશ્ન ઉકેલાતો નથી

0
Social Share

ગાંધીધામ  : કચ્છના ગાંધીધામ શહેર અને સંકુલમાં આવેલા માર્ગોની દયનીય હાલત જોવા મળી રહી છે. ગાંધીધામ નગરપાલિકાને ટેક્સની લાખો રૂપિયાની આવક થાય છે. તેમજ સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. છતાં શહેરના રોડ-રસ્તાઓની ખૂબ બિસ્માર હાલત જોવા મળી રહી છે. શહેરના લોકો સોશિયલ મીડિયા ઉપર બિસ્માર રોડના ફોટા વાયરલ કરીને પાલિકાના હોદ્દેદારોની હાંસીપાત્ર વાર્તાઓ બનાવી તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. બીજીબાજુ સત્તા પક્ષના સોશિયલ મીડિયામાં આવેલા ગ્રુપમાં જૂના કાર્યકરો, સભ્યો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામના સુંદરપુરી પાણીના ટાંકાથી 9-બી ચાર રસ્તા સુધીનો નવો માર્ગ પણ તૂટી જતાં સ્થાનિક લોકોએ લેખિત રજૂઆત કરી હતી. આ શહેર અને સંકુલમાં આવેલા માર્ગોની હાલત એટલી હદે ખરાબ છે કે, તેના ઉપર ચાલતા વાહનોના હેન્ડલ નીકળીને હાથમાં આવી જતા હોય છે. આવા માર્ગો પરથી પસાર થતી વેળાએ લોકોને ઊંટ ઉપર બેઠા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો પરેશાન બની જાય છે. તેમ છતાં આ નિંભર તંત્રની આંખ ન ઊઘડતાં લોકો સોશિયલ મીડિયા ઉપર પાલિકા, તેના હોદ્દેદારો અને ધારાસભ્યોની હાંસી ઉડાવી રહ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતુ કે તાજેતરમાં જ  સોશિયલ મીડિયામાં બિસ્માર રોડના ફોટા સાથે એક રમુજભરી વાત વાયરલ થઈ હતી. જેમાં   આદિપુરમાં એક વૃદ્ધાએ જમણવારમાં પાંચ બાટી અને ત્રણ લાડવા ખાઇ લીધા. વૃદ્ધાવસ્થાનાં કારણે પેટમાં ગેસ થયો. આદિપુરના તબીબને બતાવ્યું તો તેમણે વગર ફીએ પરચી લખી આપી. તેમાં આપેલી સલાહ અનુસાર એક સમાજસેવકે વૃદ્ધાને સ્કૂટર પર બેસાડી આદિપુરના સ્માર્ટ માર્ગો ઉપર ચક્કર લગાવ્યા. વારંવાર ઉપર-નીચે થવાના કારણે વૃદ્ધાના શરીર સાથે આત્મા પણ કંપન કરવા લાગ્યો અને માર્ગના ખાડાઓને કારણે લાડવા, બાટી પણ હજમ થઇ ગયા. વૃદ્ધાના પરિવારજનોએ પાલિકાના અધિકારીઓ, હોદ્દેદારો અને ધારાસભ્યો, જનપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ બનાવ બાદ અન્ય શહેરોના આવા પીડિત લોકો પણ આદિપુરમાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી વગેરે જેવા સંદેશા વાયરલ કરીને લોકો નગરપાલિકાની હાંસી ઉડાવી રહ્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code