
રશિયાએ ભારત સાથેની મિત્રતા નિભાવી, UNમાં કાયમી સભ્ય બનાવવા માટે સમર્થન આપ્યું
નવી દિલ્હીઃ ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી મજબુત સંબંધ રહ્યાં છે, યુક્રેન અને રશિયાના યુદ્ધમાં અમેરિકા સહિતના મોટાભાગના દેશોએ રશિયા સામે નારાજગી વ્યક્ત કરીને અનેક નિયંત્રણો લાદ્યાં છે. જો કે, ભારતે અહિંસાનો માર્ગ નહીં અપનાવીને બંને દેશોને શાંતિથી ચર્ચા કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માટે અનેકવાર વિનંતી કરી છે. દરમિયાન રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બનાવવા માટે સમર્થન જાહેર કર્યું છે.
77મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં લાવરોવે કહ્યું કે, આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકા જેવા દેશોને સામેલ કરવાથી સુરક્ષા પરિષદ વધુ લોકતાંત્રિક બનશે. તેમણે કહ્યું કે, ભારત અને બ્રાઝિલ જેવા મુખ્ય દેશોને પરિષદમાં કાયમી સભ્યપદ આપવું જોઈએ. આ પહેલા 31 અન્ય દેશોની સાથે ભારતે સુધારાઓ પર એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, સ્થાયી અને અસ્થાયી બંને વર્ગોમાં સુરક્ષા પરિષદનું વિસ્તરણ જરૂરી છે. અગાઉ અમેરિકાએ પણ ભારતને સમર્થન જાહેર કર્યો હતું.