
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કાળુ નાણું પકડવા ઈન્કમ ટેક્સ વિભાગે કોલ સેન્ટર શરૂ કર્યું
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ સરકારી તંત્ર સતર્ક બની ગયું છે. દરમિયાન ઈન્કમ ટેક્સ વિભાગે પણ ચૂંટણીમાં કાળા નાણા સામે કોલ સેન્ટર શરૂ કર્યું છે. કાળા નાણાની હેરાફેરી સામે બાજ નજર રાખવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની ચૂંટણીમાં કાળાં નાણાંનો ઉપયોગ કે હેરાફેરી ના થાય તે માટે ઇન્કમટેક્સ વિભાગે કોલ સેન્ટર શરૂ કર્યું છે. આ ઉપરાંત રાજ્યના મોટા શહેરોમાં આઇટી અધિકારીઓને તહેનાત કરવા માટે બહારથી બોલાવવામાં આવ્યા છે. કાળું નાણું ઝડપી પાડવા તેમને સ્પેશિયલ પાવર આપવામાં આવ્યા છે. હાલ આ કોલ સેન્ટરમાં રોજના 20થી 25 કોલ આવે છે. જેમાં મોટા ભાગે લોકો રોકડ સાથે કેવા પ્રકારના દસ્તાવેજો રાખવા તેની માહિતી માગી રહ્યાં છે. જ્યારે બીજા એવાં લોકોના ફોન આવે છે કે જેઓ પોતાના પ્રતિસ્પર્ધીને હેરાન કરવા માગતા હોય. લોકો પણ કાળા નાણાની કોઈ હેરાફેરી કરે તે અંગે માહિતી આપી શકે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીની ઘોષણા કરતાંની સાથે જ કાળા નાણાંને ઝડપી પાડવા માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને નિર્દેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ચૂંટણી સમગાળા દરમિયાન રોકડ રકમની હેરફેર અને કાળા નાણાંના ઉપયોગ પર ચાંપતી નજર રાખવા ઇન્કમટેક્સ વિભાગે જણાવ્યું છે. જેના માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પૂરતી તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાત પોલીસે 25 જેટલી ચેકપોસ્ટ પર સીઆરપીએફના જવાનોનો બંદોબસ્ત ગોઠવીને વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વાહનોમાં કોઈ નાણા પકડાય તો ઈન્કમટેક્સ વિભાગને જાણ કરવા સુચના આપવામાં આવી છે.