ભાવનગરમાં છેલ્લા બે વર્ષથી ચાલતું ઓવરબ્રિજનું કામ 40 ટકા જ પૂર્ણ થયુ, મંથરગતિએ ચાલતી કામગીરી
ભાવનગરઃ શહેરમાં મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે રૂપિયા 115 કરોડના ખર્ચે છેલ્લા બે વર્ષથી ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હજુ 40 ટકા કામ માંડ પૂર્ણ થયું છે. 60 ટકા કામ બાકી છે. કામ ક્યારે પૂર્ણ થશે તો કોઈ કહી શકતું નથી. આરટીઓ સર્કલથી બન્ને બાજુ પતરાની દીવાલો ઊભી કરી દેવાતા ટ્રાફિક જામની સમસ્યાથી વાહનચાલકો પરેશાન થઈ ગયા છે.
ભાવનગર શહેરમાં આરટીઓથી ચિત્રા તરફ જતા મુખ્ય માર્ગ પર ઓવરબ્રિજ બનાવવાનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. આ બ્રિજનું કામ એટલી ધીમી ગતિએ ચાલી રહ્યું છે કે તેનો ક્યારે તૈયાર થશે અને ટ્રાફિકની સમસ્યાનો ક્યારે અંત આવશે તે કોઈ કહી શકતું નથી. સ્થાનિક તંત્ર જે રીતે કામગીરી કરી રહ્યું છે તે જોતા નજીકના સમયમાં જનતાને આ લાભ મળે તેવા કોઈ એંધાણ નથી. વિપક્ષે તો આક્ષેપ લગાવ્યો છે કે છેલ્લા બે વર્ષમાં માત્ર 40 ટકા જ કામ પૂર્ણ થયુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રથમ ઓવરબ્રિજનું 115 કરોડના ખર્ચે બે વર્ષ પહેલા કામ શરૂ કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમા રોડ પર બે વર્ષ પહેલા કામ શરૂ કરવામાં આવ્યું છે અને તેને પૂર્ણ કરવાની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગયુ છે. તેમ છતાં ઓવરબ્રિજનું કામ માંડ 40 ટકા જેટલુ જ પૂર્ણ થયુ હોવાનો વિપક્ષ કોંગ્રેસના નેતાઓ દાવો કરી રહ્યા છે. ગોકળગતિથી ચાલતી કામગીરીથી મુખ્ય રોડ પર સતત ટ્રાફિક જામ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો કે શહેરના મેયરે વિપક્ષના આક્ષેપ ફગાવતા જણાવ્યું કે કોરોનાના કારણે કામમાં રૂકાવટ આવી હતી. ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ શહેરીજનોની સમસ્યાનું નિરાકરણ આવશે. આ સાથે તેમને બ્રિજની કામગીરી 24 કલાક ચાલતી હોવાનો પણ દાવો કર્યો હતો. (file photo)
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

