અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ આગામી 14 માર્ચે થશે. અમદાવાદમાં અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેની સાથે સાબરમતી જેલમાં બંધ 59 કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપવાના છે જેના માટે સાબરમતી જેલમાં તંત્ર દ્વારા પરીક્ષાને લઇ ખાસ વ્યવસ્થા ઊભીકરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતના કુલ મળી 157 કેદીઓ ચાર અલગ અલગ જેલ સેન્ટરમાં તૈયાર કરાયા છે, જ્યાં પરીક્ષા આપશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 14મી માર્ચથી ઘો.10 અને ધો.12ની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. પરીક્ષાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યમાંથી 1.91 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં 370 કેન્દ્ર પરથી ધો.10ના 61475, ધો. 12 વિજ્ઞાન પ્રવાહના 9420 વિદ્યાથીઓ, જ્યારે કોમર્સના 37491 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પેપર લીકની ઘટનાઓ બાદ તમામ કેન્દ્રો પર શિક્ષણ બોર્ડ દ્વારા તમામ સ્કુલોમાં ઇલેકટ્રોનિક ગેઝેટ લઇ જવા પર પ્રતિબંઘ લાદી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત સીસીટીવી કેમેરાથી તમામ સ્કુલોને સજ્જ કરી દેવામાં આવી છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પોતાની હોલ ટીકીટ ભુલી જાય તો પણ તેવા વિદ્યાર્થીઓની સ્કુલમાં સંપર્ક કરીને મોબાઇલ પર ટિકિટ મંગાવીને પરીક્ષામાં બેસવા દેવામા આવશે. આ વિદ્યાર્થીઓની સાથે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં 59 કેદીઓ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપશે. જેમાં 37 જેટલા કેદીઓ ધોરણ 10ની જ્યારે 22 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે. જેને લઈને સાબરમતી સેન્ટ્રલ જેલ પર એક્ઝામ સેન્ટર બનાવવામાં આવશે.
માત્ર અમદાવાદ જ નહિ રાજ્યના વડોરા, સુરત અને રાજકોટની મધ્યસ્થ જેલમાં પણ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવે છે. વડોદરામાં ધોરણ 10માં 13 અને ધોરણ 12માં 6 કેદીઓ, રાજકોટમાં ધોરણ 10માં 30 અને ધોરણ 12માં 11 કેદીઓ આ ઉપરાંત સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં ધોરણ 10માં 21 અને ધોરણ 12માં 17 કેદીઓ એમ કુલ મળી 101 કેદીઓ ધોરણ 10 અને 56 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે. (file photo)