અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી રાત્રે ઠંડી, બપોરે ગરમી તેમજ હવામાં ભેજનું પ્રમાણ પણ વધતા લોકોમાં શરદી, ઉધરસ, તાવ સહિત વાયરસના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના રેકોર્ડ 1491 દર્દી નોંધાયા છે. આ ઉપરાંત મ્યુનિની હોસ્પિટલો અને ખાનગી દવાખાનામાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના કેસમાં પણ વધારો થતો જઇ રહ્યો છે.
અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે બેવડી આફત સર્જાઈ છે. બેવડી ઋતુના કારણે તાવના કેસમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં વાયરલ ઈન્ફેક્શનના રેકોર્ડ 1491 દર્દી નોંધાયા છે. કમોસમી વરસાદના પગલે ડબલ સિઝન થતા વાયરલના કેસમાં મોટો વધારો થયો છે. આ ઉપરાંત મ્યુનિની હોસ્પિટલો અને ખાનગી દવાખાનામાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 6 દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી એક 8 મહિનાનું બાળક ઓક્સિજન પર છે. તો 88 વર્ષના વૃદ્ધ વેન્ટિલેટર પર રખાયા છે. જ્યારે એક દર્દી બાયપેપ પર છે. બાકીના 3 દર્દીની તબિયત સ્થિર છે. આમ વાયરલ કેસો સાથે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડના એક દર્દીનું કોરોનાના કારણે મોત થયુ છે. અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 118 કેસ નોંધાયા છે, તો રાજકોટ શહેરમાં 30 કેસ અને રાજકોટ ગ્રામ્યમાં 14 કેસ, સુરત શહેરમાં 25 કેસ અને સુરત ગ્રામ્યમાં 8 કેસ, મોરબીમાં 17 કેસ અને કચ્છમાં 5 કેસ નોંધાયા છે. આ સાથે વડોદરા શહેરમાં 14 કેસ અને વડોદરા ગ્રામ્યમાં 16 કેસ, ભાવનગર શહેરમાં 5 કેસ અને ભાવનગર ગ્રામ્યમાં 1 કેસ સામે આવ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કુલ 1 હજાર 697 એક્ટિવ કેસ છે. જ્યારે 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

