તુવેર દાળ સહિતના કઠોળમાં માર્જીન ઓછુ રાખવા વેપારીઓને મોદી સરકારની તાકીદ
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીમાં થયેલા વધારાને પગલે સામાન્ય પરિવારનું બજેટ ખોરવાયું છે. દેશની જનતાને જીવન જરુરી વસ્તુઓ ઓછી કિંમતમાં મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ઉપભોક્તા બાબતોએ રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને મોટા સંગઠિત રિટેલરો સાથે બેઠક યોજીને તુવેર દાળ સહિતનું કઠોળમાં માર્જિન વધારે નહીં રાખવા સૂચન કર્યું હતું. સરકાર દ્વારા ગરીબો અને સામાન્ય પરિવારજનોને દર મહિને સસ્તા અનાજની દુકાનમાંથી ફીમાં ઘઉં અને ચોખા સહિતનું રાહન પુરુ પાડવામાં આવે છે.
ઉપભોક્તા બાબતોના વિભાગના સચિવ, રોહિત કુમાર સિંઘે એક બેઠકમાં છૂટક વેપારીઓને છૂટક માર્જિનનું માપાંકન એવી રીતે કરવાની સલાહ આપી હતી કે ઘરોમાં કઠોળના વપરાશ બાસ્કેટમાં ભાવ વધારાથી ખલેલ ન પહોંચે. તેમણે આજે અહીં રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (RAI) અને મોટા સંગઠિત રિટેલરો સાથે બેઠક કરી અને તેમને કઠોળ, ખાસ કરીને તુવેર દાળ માટે છૂટક માર્જિન ગેરવાજબી સ્તરે રાખવામાં ન આવે તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો.
છૂટક ઉદ્યોગના ખેલાડીઓએ સરકાર સાથે સંપૂર્ણ સહકાર આપવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ખાતરી આપી હતી કે કઠોળના ભાવ નિયંત્રણમાં રાખવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. રિટેલ એસોસિએશન અને મુખ્ય સંગઠિત રિટેલ ચેઇન્સ સાથેની આજની મીટિંગ એ બેઠકોની શ્રેણીનો એક ભાગ છે જે વિભાગે ગ્રાહકો માટે કઠોળની ઉપલબ્ધતા અને પોષણક્ષમતા સુનિશ્ચિત કરવા માટે કઠોળ મૂલ્ય શૃંખલાના તમામ હિતધારકો સાથે કરી હતી.