નવી દિલ્હીઃ ઉત્તર કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોએ સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સુરક્ષા જવાનોએ કુપવાડાના માછિલ સેક્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા છે. તેમજ અન્ય આતંકવાદી છુપાયેલા હોવાની શકયાને પગલે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
પોલીસે જણાવ્યું કે ચોક્કસ માહિતી પર સેના અને પોલીસે માછિલ સેક્ટરના કુમકડી વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન સરહદ પારથી આવતા બે ઘૂસણખોરો માર્યા ગયા હતા. આતંકવાદીઓ પાસેથી અત્યાર સુધીમાં બે એકે રાઈફલ, ચાર એકે મેગેઝીન, 90 રાઉન્ડ, એક પાકિસ્તાની પિસ્તોલ, એક પાઉચ અને 2100 રૂપિયાની પાકિસ્તાની કરન્સી મળી આવી છે. હાલ ઘટના સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સુરક્ષા દળોએ તાજેતરમાં ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં હથિયારોના દાણચોરોના બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી અને આઠ મદદગારોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. પકડાયેલા મદદગારોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
બારામુલાના એસએસપી અમોદ નાગપુરેએ આ મામલે જણાવ્યું છે કે 21 સપ્ટેમ્બરના રોજ બારામુલ્લામાં પોલીસને માહિતી મળી હતી કે જાંબાજપોરાનો રહેવાસી યાસીન અહેમદ શાહ ઘરેથી ગુમ છે અને તે લશ્કરમાં સામેલ થઈ ગયો છે. આ અંગે પોલીસે બારામુલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. 22 સપ્ટેમ્બરે પોલીસ, સેના અને CRPFની સંયુક્ત ટીમે તાપર પટ્ટનમાં નાકા ચેકિંગ દરમિયાન એક આતંકવાદીને પકડ્યો હતો.
તેના કબજામાંથી એક પિસ્તોલ, એક મેગેઝિન, 8 કારતુસ અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે તેના અન્ય સહયોગી પરવેઝ અહેમદ શાહ વિશે માહિતી આપી હતી, જે ટાકિયા વાગુરાના રહેવાસી છે. તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના કબજામાંથી બે હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા હતા.