- ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન હવાઈ માર્ગે ઈઝરાયલ પહોંચ્યા
- ઈઝરાયલ પ્રવાસમાં બંધકનો મુક્ત કરવા મામલે ચર્ચા કરશે
તેલ અવીવઃ હમાસ-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળવા ઈઝરાયેલ પહોંચ્યા હતા. ફ્રેન્ચ મીડિયાના જણાવ્યા અનુસાર, મેક્રોનની ઇઝરાયેલ મુલાકાતનો હેતુ ઇઝરાયેલ સાથે ફ્રાન્સની એકતા દર્શાવવાનો છે. ઇઝરાયેલમાં, ઇમેન્યુઅલ મેક્રોન ઘણા નેતાઓ સાથે બેઠક કરીને બંધકોને મુક્ત કરવાના પ્રયાસો પર ચર્ચા થવાની અપેક્ષા છે. મેક્રોન ઈઝરાયેલના રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગ અને વિપક્ષી પાર્ટીઓના નેતાઓ બેની ગેન્ટ્ઝ અને યાયર લેપિડને મળશે.
રિપોર્ટ અનુસાર, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ઈઝરાયેલની એક દિવસીય મુલાકાત દરમિયાન પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને પણ મળશે. તેલ અવીવ પહોંચ્યા પછી તરત જ, મેક્રોન બેન ગુરિયન એરપોર્ટ પર ઇઝરાયેલ-ફ્રેન્ચ નાગરિકો સાથે મળ્યા જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. આ સિવાય તેઓ બંધકોના પરિવારોને પણ મળ્યા હતા. ઇમેન્યુઅલ મેક્રોને ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું, “અમે શોકમાં ઇઝરાયેલ સાથે છીએ.”
7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ હજુ પણ સાત ફ્રેન્ચ નાગરિકો ગુમ છે. ઈઝરાયેલની સેનાનો દાવો છે કે, હમાસના લડવૈયાઓએ એક ફ્રેન્ચ મહિલાનું અપહરણ કર્યું છે. હવે ઈઝરાયેલની સેના ગાઝા વિસ્તારમાં હમાસના સ્થાનો પર સતત હવાઈ હુમલા કરી રહી છે અને જમીની કાર્યવાહી માટે તૈયાર છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટે કહ્યું કે, ઈઝરાયેલ ગાઝા પર જમીન, આકાશ અને સમુદ્ર દ્વારા ઘાતક હુમલાની તૈયારી કરી રહ્યું છે.