વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીમાં માતાજીની પૂજા-અર્ચના કરી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે
- ખેરાલુમાં વિશાળ જનસભાને સંબોધિત કરશે
- આવતીકાલે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે
અમદાવાદઃ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાત્રાધામ અંબાજી ગયા હતા. જ્યાં મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને માતાજીની પૂજા-અર્ચના કરી હતી.
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે હવાઈ માર્ટે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી અંબાજી જવા રવાના થયા હતા. અંબાજીમાં આગમન સાથે જ પીએમ મોદીના સ્વાગત સાથે મોટી સંખ્યામાં મોટી ઉમટી પડ્યાં હતા. તેમજ તેમની ઉપર પુષ્પવર્ષા કરી હતી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અંબાજી મંદિરના ચાચર ચોકમાં વડાપ્રધાનનું સ્વાગત આદિવાસી નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કરવામાં આવ્યુ હતુ. પીએમ મોદીએ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં જઇને મા અંબેના દર્શન કર્યા હતા. તેમજ પૂજા અને આરતી કરી હતી. તેમજ માતાજીની પાદુકાની પૂજા પણ કરી હતી.
અંબાજીમાં માતાજીના દર્શન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેરાલુ જવા રવાના થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેરાલુમાં વિશાળ જનસભાને સંબોધશે, તેમજ કરોડોના વિકાસ કાર્યોની પ્રજાને ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે. અંહી તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાજંલી અર્પણ કરશે.


