
અમદાવાદઃ શિયાળાના યાને કારતક મહિનાના પ્રારંભને હવે એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે દિવસે ગરમી અને રાત્રે થોડી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પણ દિવાળી બાદ એટલે નૂતન વર્ષના પ્રારંભથી ઠંડીનો ચમકારો વર્તવાની શરૂઆત થશે. છેલ્લા બે દિવસથી મધ્ય ગુજરાતના ભાગોમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી રહી છે. ત્યારે હવામાન વિભાગના કહેવી મુજબ આગામી ત્રણ દિવસ કેટલાક ભાગો પર વાદળ બંધાશે, પરંતુ માવઠું પડવાની કોઈ શક્યતા નથી.
હવામાન વિભાગનાં ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે તથા હાલ વરસાદની કોઈ સંભાવના નથી. આગામી ત્રણ દિવસમાં ગુજરાતના કેટલાક ભાગો પર વાદળ બંધાશે, પરંતુ આ વરસાદી વાદળ હશે નહીં. તેમજ ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર આવશે નહીં, પરંતુ ન્યૂનતમ તાપમાનમાં એક ડીગ્રી જેટલો વધારો નોંધાશે. ત્યાર બાદ ચાર દિવસ પછી ન્યૂનતમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. એટલે દિવાળી બાદ ઠંડીનો દિવસે પણ અહેસાસ થવા લાગશે. હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ છે. આ કારણે વાદળાં બંધાશે, પરંતુ આ વાદળ અપર લેવલમાં હાઇ ક્લાઉડ બંધાશે, તેથી એને વરસાદી વાદળ કહી શકાય નહીં.
સૂત્રોના કહેવા મુજબ છેલ્લા બે દિવસથી અમદાવાદના વાતાવરણમાં સાંજ પડતાં જ અચાનકથી પલટો વર્તાય છે, આ પ્રકારના વાતાવરણને મિસ્ટ કહેવાય એમાં ધુમ્મસ જેવું અનુભવાય છે, જેને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે અને સામાન્ય દૃશ્યતામાં ઘટાડો થાય છે. હાલ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સવારે ઘાઢ ધૂંમસ જોવા મળી રહ્યું છે. હાલ ઉત્તરિય પવનો ફુકાતા હોવાથી દિવાળી બાદ ઠંડીમાં ક્રમશઃ વધારો થશે. આ વર્ષે દિવાળી નવેમ્બર માસના મધ્યમાં આવી રહી છે. એ દરમિયાન સામાન્ય રીતે ઠંડીની શરૂઆત થઈ ગઈ હોય છે, દિવાળીના પાંચ દિવસ દરમિયાન વાતાવરણ સામાન્ય રીતે સૂકું રહેશે અને ભેજનું પ્રમાણ પણ નહિવત્ રહેશે. આ દરમિયાન વરસાદની પણ કોઈ જ સંભાવના નથી.