
અમદાવાદમાં AMC દ્વારા PPP ધોરણે 12 EV ચાર્જિંગ સ્ટેશનો તૈયાર, હવે મહિનામાં લોકાર્પણ કરાશે
અમદાવાદઃ શહેરમાં છેલ્લા એક વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો થયો છે. શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે ઈલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધે તે જરૂરી છે. ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નવી EV પોલીસી તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે શહેરમાં એએમસી દ્વારા પીપીપી ધોરણે 12 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. 9 ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર થઈ ગયા છે જ્યારે બાકીના 3 આગામી દિવસોમાં ઝડપથી બનીને તૈયાર થઈ જશે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આગામી મહિને આ તમામ ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષના બજેટમાં વિવિધ વિસ્તારોમાં ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. શહેરના એર પોલ્યુશનમાં ઘટાડો થાય તે હેતુસર કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને અનુસરીને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરવા માટે વધુને વધુ નાગરિકો તૈયાર થાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરનારની સરળતા અને સગવડતા માટે AMC દ્વારા 10 ટકા રેવન્યુ શેરિંગ સાથે પીપીપી ધોરણે શહેરમાં વિવિધ વિસ્તારોમાં 12 જેટલા ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં તેના ચાર્જિંગના દર વગેરે નક્કી કરી અને ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં પીપીપી ધારણે ઈવી ચાર્જિંગ સ્ટેશન બનાવાયા છે. જેમાં સિંધુભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ, પ્રહલાદનગર ગાર્ડન પાસેના મલ્ટી લેવલ પાર્કિંગ, ગુજરાત વિદ્યાપીઠ પાસે ઈન્કમટેક્સ ફ્લાય ઓવરબ્રિજ, ચાંદખેડામાં ન્યુ CG રોડ, નરોડા હરિદર્શન ક્રોસ રોડ, કાંકરિયા મલ્ટીલેવલ પાર્કિંગ, મોટેરામાં કોટેશ્વર રોડ, બાપુનગર ફ્લાયઓવર બ્રિજ નીચે, નિકોલ-નરોડા રોડ રોઝ વેલી સ્કાય પાસે. તથા નારોલ ફ્લાયઓવર બ્રિજ નીચે, અને CTM ફ્લાયઓવર બ્રિજ નીચે તેમજ ઇસનપુર ગોવિંદવાડી સર્કલનો સમાવેશ થાય છે. શહેરમાં ઈલેક્ટ્રિકલ વાહનોની સંખ્યા જોઈએ તો 1,500થી વધુ ફોર વ્હીલર, 5,000થી વધુ થ્રી વ્હીલર અને 12,000થી વધુ ઇવી ટુ-વ્હીલર છે.