દિલ્હી – હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી બાદ તામિલનાડુમાં વરસાદ નો કહેર જોવા મળ્યો છે વિતેલા દિવસથી જ અહી વરસાદે મજા મૂકી છે તમિલનાડુ હજુ સુધી ચક્રવાતી તોફાન મિચોંગની અસરમાંથી બહાર આવ્યું નથી.
આ સાથે જ રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રવિવારની મોડી રાત્રે અને સોમવારે વહેલી સવારની વચ્ચે પડેલા વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને થૂથુકુડીમાં રસ્તાઓ અને લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.
સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિવારે કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી અને તેનકાસી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે અને મૂશળધાર વરસાદ થયો હતો. આ મુજબ, શનિવારથી દક્ષિણ તમિલનાડુમાં મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થયો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.
આ સહિત વરસતા વરસાદના કારણે જળાશયો ભરાઈ રહ્યા હોવાથી તેમાંથી વધારાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યના દક્ષિણી જિલ્લાઓના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેને જોતા અધિકારીઓએ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.
અધિકારીઓએ જણાવ્યું કે પરિસ્થિતિનો સામનો કરવા માટે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓ અને પોલીસે પૂરગ્રસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને રાહત કેન્દ્રો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.
મુખ્ય મંત્રી એમકે સ્ટાલિને અધિકારીઓને થામીરાબારાની નદીનું વધારાનું પાણી ‘રિવર લિન્કિંગ પ્રોજેક્ટ’ હેઠળ બનેલી કેનાલમાં છોડવાનો નિર્દેશ આપ્યો છે. વિભાગે જણાવ્યું હતું કે સોમવારે, કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી અને તેનકાસી જિલ્લામાં એક કે બે સ્થળોએ મૂશળધાર વરસાદ અને દક્ષિણ તમિલનાડુમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.આ સાથે જ તમિલનાડુ સરકારે ભારે વરસાદને કારણે 18 ડિસેમ્બરે તિરુનેલવેલી, થૂથુકુડી, કન્યાકુમારી અને તેનકાસી જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો, ખાનગી સંસ્થાઓ, બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે રજા જાહેર કરી છે.