કાંકરિયા કાર્નિવલનો CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ, વિવિધ આકર્ષણોથી અનેરો માહોલ સર્જાયો
અમદાવાદઃ શહેરમાં કાંકરિયા કાર્નિવલનો 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરાયો હતો. 31મી ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલમાં બાળકોના મનોરંજન માટે ખાસ બાળનગરી બનાવવામાં આવી છે. નાનાં બાળકો સાહસિક બને, તેમની સાહસવૃત્તિમાં વધારો થાય અને તેમને મનોરંજન પણ મળી રહે એવી રમતો મૂકવામાં આવી છે.
કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયો હતો. કાર્નિવલમાં લેસર શો સહિત વિવિધ રાજ્યોના નૃત્યોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ લોકડાયરા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. કાર્નિવલમાં ભગવાન રામના ધનુષની થીમ પર ગેટ બનાવાયો છે. કાર્નિવલના ઉદ્ધાટન સમયે મુખ્યમંત્રીએ અટલજીને યાદ કર્યા હતા.અને કરોડોના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, શહેરના મેયર પ્રતિભાબેન સાથે ત્રણ પૂર્વ મેયર હાજર છે. 25મી ડિસમ્બરનો દિવસ અટલબિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે. આ દિવસ સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. સુશાસનને કારણે શહેરમાં પરિવર્તન આવ્યું છે. શહેરમાં હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો આવે. વડાપ્રધાને વર્ષ 2008માં કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાવી હતી. હવે લોકો દર વર્ષે આતુરતાથી કાર્નિવેલની રાહ જોતા હોય છે. આ કાર્નિવલ વર્લ્ડ ફેસ્ટિવલ બની ગયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને અભિનંદન પાઠવું છું. શહેરના કાંકરીયા તળાવની કાયાપલટ વડાપ્રધાને કરી હતી. વર્ષ 2006 કાંકરિયા લેકફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો.
અમદાવાદના મેયર પ્રતિભા જૈને સ્વાગત ઉદ્ધાટનમાં જણાવ્યું હતું કે, આજે સુશાસન દિવસે કાંકરિયા કાર્નિવલનો શુભારંભ પ્રસંગે તમામને આવકારીએ છીએ. કાર્નિવલમાં દરરોજ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે. ઉત્સવપ્રેમી શહેરીજનો માટે આ કાર્નિવલ વર્ષ 2008થી શરૂઆત થઈ છે. ઘણી બાબતો સુશાસન હેઠળ આવે છે. મુખ્યમંત્રી, મેયર સહિત ભાજપના કોર્પોરેટરો અને નેતાઓએ શહેરને સ્વચ્છ રાખવા માટેનો સંકલ્પ કર્યો હતો.
મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મેયર દ્વારા રૂ.216 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઇ લોકાર્પણ- ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. મણીનગર વિસ્તારમાં સ્લમ રિહેબિલિટેશન પોલીસી અંતર્ગત 141 આવાસો અને 14 દુકાનોનો ડ્રો મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ બે લાભાર્થીઓને મકાનની ચાવી આપી હતી.