1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. માતરના વિદ્યાપીઠ ગ્રામ સેવા કેન્દ્રની રાજ્યપાલે લીધી મુલાકાત, ગ્રામજનો સાથે કર્યો સંવાદ
માતરના વિદ્યાપીઠ ગ્રામ સેવા કેન્દ્રની રાજ્યપાલે લીધી મુલાકાત, ગ્રામજનો સાથે કર્યો સંવાદ

માતરના વિદ્યાપીઠ ગ્રામ સેવા કેન્દ્રની રાજ્યપાલે લીધી મુલાકાત, ગ્રામજનો સાથે કર્યો સંવાદ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતજીએ બુધવારે માતર તાલુકાના દેથલી અને ભલાડા ગ્રામ સેવા કેન્દ્ર તથા જિલ્લા પંચાયતના સીડ ફાર્મની મુલાકાત લીધી હતી. જિલ્લાના ખેડૂતો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અને  શિક્ષકોને પ્રાકૃતિક ખેતીની સમજણ અને જાણકારી મળી રહે તે હેતુથી રાજ્યપાલએ ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેથલી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ સંવાદ’ સાધ્યો હતો.

રાજ્યપાલએ હરિયાણાના કુરુક્ષેત્ર ખાતેના તેઓના ગુરુકુળમાં કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીની કામગીરીનો ખ્યાલ ખેડૂતોને આપ્યો હતો. ત્યારબાદ રાજ્યપાલ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટામેટા ક્રશ તજજ્ઞતા કેન્દ્રની મુલાકાત લઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ ઘન જીવામૃતની સમીક્ષા કરવામાં આવી હતી.

રાજયપાલએ દેથલી ગ્રામ સેવા કેન્દ્ર ખાતે વિદ્યાપીઠ દ્વારા સંચાલિત આશ્રમ શાળાની મુલાકાત પણ લીધી હતી. અહીં રાજ્યાપાલએ મહાત્મા ગાંધીને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી ચંચળબા ગૌસેવા સદનની મુલાકાત લીધી હતી.

રાજ્યપાલએ ગૌશાળાની અંદાજિત 50થી વધુ ગાયોની બ્રીડ વિશે માહિતી મેળવી આ ગાયો થકી વધુ પ્રમાણમાં દૂધ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગૌશાળાની મુલાકાત બાદ રાજ્યપાલએ ભલાડા ગ્રામ સેવા કેન્દ્રમાં ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત શાળા ખાતે બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રદર્શન નિહાળ્યું હતું. ભલાડા ગ્રામ સેવા કેન્દ્રની મુલાકાત દરમિયાન રાજ્યપાલએ વિદ્યાપીઠ સંચાલિત આશ્રમ શાળાના નિવાસી બાળકોના અભ્યાસ, ભોજન તથા રહેણાંક વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ઉપરાંત શિક્ષકોની સંખ્યા તથા આનુષાંગિક વ્યવસ્થા અંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલ સાથે ચર્ચા કરી હતી.

અંતમાં રાજયપાલએ માતર ખાતે આવેલા જિલ્લા પંચાયત સીડ ફાર્મની મુલાકાત લીધી હતી.  ત્યાં રાજ્યપાલએ જમીનની ગુણવત્તા વિશે ખેતીવાડી અધિકારી સાથે ચર્ચા કરી સીડ ફાર્મને પ્રાકૃતિક ફાર્મ બનાવવા સૂચન કર્યુ હતું.

રાજ્યપાલની આ મુલાકાતમાં પૂર્વ શિક્ષણ મંત્રી અને ગુજરાત વિદ્યાપીઠ મંડળના વરિષ્ઠ ટ્રસ્ટી  ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, માતર ધારાસભ્ય  કલ્પેશ પરમાર, કલેકટર  અમિત પ્રકાશ યાદવ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિયામક પી. કે. શર્મા તેમજ ખેડૂતો અને ગ્રામજનો જોડાયા હતા.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code