Homeગુજરાતીકેલિફોર્નિયામાં ભીષણ હિમપ્રપાતમાં આઠના મોત, સ્કીઈંગ કરવા ગયેલા પ્રવાસીઓમાં ભય

કેલિફોર્નિયામાં ભીષણ હિમપ્રપાતમાં આઠના મોત, સ્કીઈંગ કરવા ગયેલા પ્રવાસીઓમાં ભય

કેલિફોર્નિયા, 19 ફેબ્રુઆરી 2026: અમેરિકાના કેલિફોર્નિયામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા બરફીલા તોફાને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તાહો વિસ્તારના પ્રખ્યાત કેસલ પીક પર વહેલી સવારે સર્જાયેલા ભીષણ હિમપ્રપાતમાં સ્કીઈંગ કરવા ગયેલા 9 લોકો દબાયા હતા. મોડી રાત્રે નેવાડા કાઉન્ટી પોલીસ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર, લાપતા 9 સ્કીઅર્સ પૈકી 8ના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ છે.

નેવાડા કાઉન્ટીના શેરિફ શાનન મૂને આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “બચાવ ટુકડીઓએ માઈનસ ડિગ્રી તાપમાનમાં ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ કમનસીબે અમે 8 સભ્યોને બચાવી શક્યા નથી. એક વ્યક્તિ હજુ પણ ગુમ હોવાથી સર્ચ ઓપરેશન ચાલુ રખાયું છે.” મંગળવારે વહેલી સવારે જ્યારે સ્કીઅર્સનું ગ્રુપ પહાડ પર હતું. પહાડની ઉપરની સપાટી પરથી અચાનક બરફનો પહાડ ધસી પડતા આખું ગ્રુપ તેની ઝપેટમાં આવી ગયું હતું. શરૂઆતમાં છ સ્કીઅર્સને જીવતા બહાર કાઢી લેવાયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ છે.

કેલિફોર્નિયાના આ વિસ્તારમાં હાલમાં બરફીલા તોફાનને કારણે દ્રશ્યતા નહિવત છે. સતત પડી રહેલા બરફ અને તેજ પવનોને કારણે હેલિકોપ્ટર કે ડ્રોન દ્વારા મદદ લેવી મુશ્કેલ બની રહી છે. સ્થાનિક વહીવટીતંત્રે પ્રવાસીઓ અને સાહસિક રમત પ્રેમીઓને આગામી સૂચના સુધી ઊંચા પહાડી વિસ્તારોમાં ન જવા અને હિમપ્રપાતની શક્યતા ધરાવતા સ્થળોથી દૂર રહેવા કડક તાકીદ કરી છે. અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં પણ આ સમાચારને પગલે ચિંતાની લહેર પ્રસરી છે, કારણ કે તાહો અને કેસલ પીક જેવા વિસ્તારો રજાઓ માણવા માટે પ્રવાસીઓના મનપસંદ સ્થળો ગણાય છે.

આ પણ વાંચોઃ મફતની લહાણીને બદલે રોજગારની તકો ઉભી કરવા સુપ્રીમ કોર્ટે કરી ટકોર

સંબંધિત લેખો

Most Popular