સવારના વ્યસ્ત સમયમાં નાસ્તો તૈયાર કરવો એ કોઈ મોટા ટાસ્કથી કમ નથી લાગતું. જાતે ઓફિસ માટે તૈયાર થવું અને બાળકોને સ્કૂલ મોકલવાની દોડધામમાં સમયના અભાવે અવારનવાર બ્રેડ-બટર કે સાદી સેન્ડવિચથી કામ ચલાવવું પડે છે. પરંતુ રોજ-રોજ એક જ પ્રકારનો નાસ્તો ખાઈને બાળકો પણ કંટાળી જતા હોય છે. જો તમારા ઘરમાં પણ આ જ સમસ્યા રહેતી હોય, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી! આજે અમે તમને ફ્રિજમાં રહેલી સામાન્ય બ્રેડમાંથી જ બનતી કેટલીક આકર્ષક અને નવી વાનગીઓ વિશે જણાવીશું, જેને માત્ર 10 થી 15 મિનિટમાં જ તૈયાર કરી શકાય છે. ચાલો જાણીએ આ ઝટપટ અને ટેસ્ટી રેસિપીઝ વિશે.
ચટપટા અને મસાલેદાર બ્રેડ પોહા
જો રોજનો સાદો પોહા ખાઈને કંટાળી ગયા હોવ, તો આ વખતે બ્રેડ પોહા ટ્રાય કરો. તે ખાવામાં ખૂબ જ હળવો અને સ્વાદિષ્ટ લાગે છે. આ વાનગી બનાવવા માટે સૌથી પહેલા બ્રેડની સ્લાઈસને નાના ટુકડામાં સમારી લો. હવે કઢાઈમાં થોડું તેલ ગરમ કરી રાઈ, કઢી પત્તા, લીલા મરચાં અને બારીક સમારેલી ડુંગળીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ હળદર, નમક અને લાલ મરચું પાઉડર ઉમેરી બ્રેડના ટુકડા નાખો. બ્રેડ સોફ્ટ થાય તે માટે ઉપરથી પાણીનો હળવો છાંટો છાંટીને ૨ મિનિટ ધીમા તાપે ચઢવા દો. અંતે લીલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરીને સર્વ કરો.
ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ રોલ
બાળકોના ટિફિન માટે કે સાંજની ચા સાથે બ્રેડ રોલ હંમેશાં બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે. બ્રેડ રોલ બનાવવા માટે બાફેલા બટેટાને સારી રીતે મેશ કરી તેમાં બારીક સમારેલી ડુંગળી, લીલા મરચાં, કોથમીર, મીઠું, આમચૂર પાઉડર અને ગરમ મસાલો ઉમેરી મસાલો તૈયાર કરો. હવે બ્રેડની કિારીઓ કાપીને તેને હળવા પાણીમાં બોળીને વધારાનું પાણી નીચોવી લો. આ બ્રેડની અંદર બટેટાનો મસાલો મૂકીને રોલ વાળી લો. ત્યારબાદ ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળીને લીલી ચટણી અથવા સોસ સાથે ગરમાગરમ પીરસો.
સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ સ્પાઈસી બ્રેડ ઉપમા
જો તમને સાઉથ ઇન્ડિયન ફૂડ પસંદ હોય, તો બ્રેડ ઉપમા ઉત્તમ વિકલ્પ છે. આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં બની જાય છે. બ્રેડ ઉપમા બનાવવા માટે પૅનમાં તેલ ગરમ કરી રાઈ, અડદની દાળ, કઢી પત્તા અને સૂકા લાલ મરચાનો વઘાર કરો. હવે બારીક સમારેલી ડુંગળી, ટમેટા અને મનપસંદ શાકભાજી (કેપ્સિકમ કે વટાણા) ઉમેરીને પકાવો. શાક ચઢી જાય એટલે હળદર, મીઠું અને બ્રેડના નાના ટુકડા ઉમેરી મિક્સ કરો. 2 મિનિટ ઢાંકીને ચઢવા દીધા બાદ ઉપરથી શેકેલા સીંગદાણા ભભરાવીને સર્વ કરો.
બાળકોની પસંદ: ઇન્સ્ટન્ટ બ્રેડ પિઝા
બાળકો પિઝાનું નામ સાંભળતા જ ખુશ થઈ જાય છે. તમે ઘરે જ તવા પર ઇન્સ્ટન્ટ બ્રેડ પિઝા બનાવી શકો છો. બ્રેડ પિઝા બનાવવા માટે બ્રેડની સ્લાઈસ પર પિઝા સોસ અથવા શેજવાન સોસ લગાવો. તેના પર બારીક સમારેલા કેપ્સિકમ, ટમેટા, કોર્ન અને ડુંગળી ગોઠવો. ઉપરથી પુષ્કળ ચીઝ, ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. હવે તવા પર થોડું બટર લગાવીને બ્રેડ મૂકો અને ઢાંકીને ૩ થી ૪ મિનિટ ધીમા તાપે ચીઝ ઓગળે ત્યાં સુધી પકાવો.
મીઠા શોખીનો માટે: સ્વીટ બ્રેડ હલવો
જો સવારના નાસ્તામાં કંઈક મીઠું ખાવાનું મન થાય, તો બ્રેડનો હલવો બેસ્ટ છે. બ્રેડ હલવો બનાવવા માટે બ્રેડના ટુકડાને દેશી ઘીમાં હળવા ફ્રાય કે ટોસ્ટ કરી લો. હવે એક પેનમાં દૂધ ગરમ કરી ખાંડ મિક્સ કરો. દૂધ ઊકળે એટલે તેમાં બ્રેડના ટુકડા નાખો. બ્રેડ દૂધને શોષી લે એટલે તેને મેશ કરતા જઈને હલવા જેવું ઘટ્ટ બનાવો. અંતે ઇલાયચી પાઉડર અને કાજુ-બદામના ટુકડા ઉમેરીને ગરમાગરમ સર્વ કરો.


