 
                                    સુરતમાં ગાઢ ધૂમ્મસ સાથે વાતાવરણમાં પલટો, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો થયાં પરેશાન
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભ સાથે તાપમાનમાં વધારો થયા બાદ ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી ઠંડી અને ગરમી મિશ્રિત બે ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે, તો મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે, ત્યારે મંગળવારે શહેર અને જિલ્લામાં ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતુ. અને માવઠા જેવો માહોલ સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.
સુરતમાં મંગળવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર પથરાતા વાહનચાલકો પરેશાન બન્યા હતા.શહેરના એરપોર્ટ પર 100 મીટરથી ઓછી વિઝિબિલિટી થતાં એરપોર્ટના રનવેની આઇએલએસ એટલે કે, ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિગ સિસ્ટમ પણ કામ લાગી ના હતી અને એરપોર્ટ પર ફ્લાઇટોનું ઓપરેશન દોઢ કલાક માટે ખોરવાય ગયું હતું. જેથી દિલ્હીની ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. તે સાથે ત્રણ ફ્લાઇટ એકથી દોઢ કલાક સુધી મોડી પડી હતી.
સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં સ્પષ્ટ રીતે પલટો દેખાયો હતો. માવઠા સમયે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવે છે, તેવો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો વર્તાયો હતો. સાથે જ ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. વાહનચાલકોએ પણ હાઇવે પર વાહનની લાઈટનો સહારો લેવાની ફરજ પડી હતી. એકાએક ધુમ્મસ છવાઈ જતા વાતાવરણમાં થોડી ઠંડક રહી હતી, પરંતુ ખેડૂતોની ચિંતા વધી હતી. જો કે, બપોરના સમયે ગરમીનો લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. જ્યારે સાંજના સમયે બફારો અનુભવાયો હતો. વાતાવરણમાં થતા સતત બદલાવને કારણે લોકો બેચેની અનુભવી રહ્યા છે અને સ્વાસ્થ્યને લઈને પણ અનેક તકલીફો સામે આવી રહી છે
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

