1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ CPના જાહેરનામાંને પડકારતી રિટ યોગ્ય બેન્ચ સમક્ષ મુકવા HC જજે રજિસ્ટ્રીને સુચના આપી
અમદાવાદ CPના જાહેરનામાંને પડકારતી રિટ યોગ્ય બેન્ચ સમક્ષ મુકવા HC જજે રજિસ્ટ્રીને સુચના આપી

અમદાવાદ CPના જાહેરનામાંને પડકારતી રિટ યોગ્ય બેન્ચ સમક્ષ મુકવા HC જજે રજિસ્ટ્રીને સુચના આપી

0
Social Share

અમદાવાદઃ  રાજપૂત સમાજના અગ્રણી અર્જુનસિંહ ગોહિલે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરીને અમદાવાદના પાલીસ કમિશનરના જાહેરનામાંને પડકાર્યો છે. રિટમાં એવી રજુઆત કરવામાં આવી છે. કે, તેમના બંધારણીય હક્કોનો ભંગ થઈ રહ્યો છે, બંધારણના આર્ટિકલ 19 અને 21નો ભંગ થઈ રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં મંગળવારે સુનાવણી હાથ ધરવાની હતી. આ મેટર જજ વૈભવી નાણાવટીની કોર્ટમાં રજૂ થઈ હતી. જેમાં બેન્ચે રજિસ્ટ્રીને સૂચન કર્યું હતું કે, આ મેટરને યોગ્ય બેન્ચ સમક્ષ મૂકવામાં આવે. આમ હવે આ મેટર આગામી સમયમાં હાઇકોર્ટની અન્ય બેન્ચ સમક્ષ મૂકવામાં આવે તેવી શક્યતા છે.

અમદાવાદના પાલીસ કમિશનર દ્વારા સીઆરપીસી 144 મુજબ  જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વિરોધ કરવા,  કાળા વાવટા ફરકાવવા,  બેનર્સ પ્રદર્શિત કરવા વગેરે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સીપીના આ જાહેરનામાં સામે ગુજરાત હાઈકોર્ટમાં રાજપુત સમાજના અગ્રણી અર્જુનસિંહ ગોહિલ દ્વારા રિટ કરવામાં આવી છે. જેમાં એવી રજુઆત કરી છે કે, રાજપૂત સમાજ શાંતિથી દેખાવો કરી રહ્યો છે. અત્યારસુધીમાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. દેખાવથી જાહેર જનતાને પણ અગવડ પડી નથી. પરંતુ શહેર પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર શાંતિપૂર્વક દેખાવો થઈ શકતા નથી. ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિરુદ્ધ અયોગ્ય નિવેદન આપ્યું છે. તેમના વિરોધને રોકવા આ જાહેરનામું બહાર પડાયું છે. આ સીઆરપીસીની કલમ 144નો દુરુપયોગ છે. વળી ફક્ત અમદાવાદમાં જ આવું જાહેરનામું બહાર પડાયું છે. પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની મહિલાઓ અને રાજપૂત સમાજની ગરિમાને ઠેસ પહોંચાડી છે. શહેર પોલીસ કમિશનરના જાહેરનામાથી વાણી સ્વાતંત્ર્યનો હક્ક છીનવાઈ ગયો છે. આ જાહેરનામું પક્ષપાતી અને ગેરકાનૂની છે.

રિટમાં એવી રજુઆત કરવામાં આવી છે કે,  ઇમર્જન્સી સિવાય સીઆરપીસીની કલમ 144નો ઉપયોગ કરી શકાય નહીં. રાજકીય પક્ષોને રેલી યોજવા મંજૂરી મળે છે, પરંતુ રાજપૂત સમાજને શાંતિપૂર્ણ દેખાવો કરવા મંજૂરી નથી. જાહેર હિત જોખમાતું હોય તેવું ગ્રાઉન્ડ આ જાહેરનામા પાછળ નથી. વળી સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ સીઆરપીસી  144ના ઉપયોગ માટે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો અભિપ્રાય જરૂરી હોય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code