 
                                    ગાંધીનગરઃ રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર વધુ એલર્ટ બની છે. અને ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને તે માટે પગલાં લઈ રહી છે. દરમિયાન સરકાર આગની દૂર્ધટનાની જવાબદારી નક્કી કરવા માટે ‘ગુજરાત પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટ’માં સુધારો કરશે. એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવશે કે, જે સ્થળોએ વધુ લોકો ભેગાં થતાં હોય ત્યાં તે સ્થળના માલિકો અને સંચાલકોએ ફાયર ઓફિસરની કાયમી ભરતી કરીને નિમણૂક કરવાની રહેશે. આ અધિકારી તેમના સંકુલમાં આગની દુર્ઘટના ન બને તે માટે જવાબદાર રહેશે.
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગના બનાવથી 28 લોકોનો ભાગ લેવાતા સરકાર સફાળી જાગી છે. રાજકોટનો અગ્નિકાંડ ઉપરાંત સુરતમાં તક્ષશીલા, અમદાવાદની આગ, વડોદરાની ઘટના આવી અનેક ઘટનાઓમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયા છે. ત્યારે હવે રાજકોટની આ ગોઝારી ઘટના બાદ ગુજરાત સરકાર જાગી છે અને ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા કરી રહી છે. નવા સુધારમાં એવી વિચારણા ચાલી રહી છે કે, હવેથી પ્રાઈવેટ એકમોમાં ખાનગી ફાયર અધિકારીઓ જ કરશે સાધનોની ચકાસણી, જો કોઈ ખામી જણાશે તો જે તે ફાયર અધિકારીની જવાબદારી રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા કરી રહી છે. નવા એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવશે કે શહેરી વિસ્તારમાં ભીડવાળી જગ્યાએ કોમર્શિયલ એકમોએ ખાનગી ફાયર ઓફિસરો રાખવા પડશે. અને આગ લાગવાની ઘટનામાં ફાયર ઓફિસરની જવાબદારી રહેશે. સરકારી વ્યવસ્થા પર ભારણ ન વધે તે માટે સરકારની વિચારણા ચાલી રહી છે. મોલ, થિયેટર, હોટલ, કોમ્યુનિટી હોલ સહિતના એકમોને આવરી લેવાશે. ખાનગી ફાયર ઓફિસર જ સાધનોની ચકાસણી સહિતની કામગીરી કરશે. કોઈ ખામી જણાશે તો તેની જવાબદારી રહેશે. ખાનગી ફાયર ઓફિસર પર સરકારનું પણ નિયંત્રણ રહેશે. જો કે સરકારના આ નિર્ણયનો વિરોધ થવાની પણ શક્યતા છે. કારણ કે ખાનગી એકમો પર ખર્ચનું ભારણ વધી જશે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

