1. Home
  2. ગુજરાતી
  3. ભારતમાં પાયલટોના નવા ડ્યુટી નિયમો વૈશ્વિક ધોરણો કરતાં કડક: IATA
ભારતમાં પાયલટોના નવા ડ્યુટી નિયમો વૈશ્વિક ધોરણો કરતાં કડક: IATA

ભારતમાં પાયલટોના નવા ડ્યુટી નિયમો વૈશ્વિક ધોરણો કરતાં કડક: IATA

0
Social Share

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય વિમાનન સંગઠન (IATA – ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન) એ જણાવ્યું છે કે, ભારતમાં પાયલટો માટે લાગુ કરવામાં આવેલા નવા ડ્યુટી નિયમો (FDTL) વૈશ્વિક ધોરણોની તુલનામાં ઘણા વધુ કડક છે. IATAના વડા વિલી વાલ્શે કહ્યું કે, પરિસ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે. આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે છેલ્લા એક સપ્તાહમાં દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોને નવા ડ્યુટી નિયમોના અમલને કારણે મોટા પાયે ઓપરેશનલ અવરોધોનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે સેંકડો ફ્લાઈટ્સ રદ કરવી પડી છે અને હજારો મુસાફરો પ્રભાવિત થયા છે.

વિલી વાલ્શે જણાવ્યું હતું કે, ભારતનાં નવા નિયમો અન્ય દેશોના નિયમોની તુલનામાં ઘણા વધુ પ્રતિબંધાત્મક જણાય છે, પરંતુ “નિયમનકારોની જવાબદારી છે કે તેઓ ઉદ્યોગ સુરક્ષિત અને સંરક્ષિત રહે તેની ખાતરી કરે.” તેમણે આશા વ્યક્ત કરી હતી કે, “મને લાગે છે કે આ ફેરફારો યોગ્ય કારણોસર લાગુ કરવામાં આવ્યા છે. હવે બધું સામાન્ય થવું માત્ર સમયની વાત છે.” અત્રે ઉલ્લેખનીય છે કે, 1 નવેમ્બરથી લાગુ થયેલા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) માપદંડોના બીજા તબક્કાને લાગુ કરવામાં યોગ્ય આયોજનનો અભાવ એ ઈન્ડિગોના ઓપરેશનલ અવરોધોનું મુખ્ય કારણ હતું.

જીનીવા ખાતે એક મીડિયા ગોળમેજી પરિષદમાં વાલ્શે વધુમાં કહ્યું કે પાયલટની થકાવટના માપદંડો એ એક એવો મુદ્દો છે જેના પર યુરોપ અને અમેરિકામાં પણ સતત ચર્ચા થતી રહે છે. તેમણે ઉમેર્યું કે, ભારતે પગલાં લેવાનો નિર્ણય કર્યો છે, ખાસ કરીને રાત્રિના સમયની ફ્લાઇટ્સ દરમિયાન સંભવિત થાકને લઈને. આની અસર સ્વાભાવિક રીતે ઓછા ખર્ચવાળી એરલાઇન્સ પર તેમના વ્યાવસાયિક મોડેલને જોતા વધુ પડી છે. જોકે, આ ફેરફારના પરિણામે ઘણા ગ્રાહકો પ્રભાવિત થયા તે નિરાશાજનક છે.

FDTL માપદંડોના બીજા તબક્કામાં અન્ય બાબતો ઉપરાંત, એક પાયલટ દ્વારા રાત્રિ દરમિયાન કરી શકાતી લેન્ડિંગની સંખ્યાને મર્યાદિત કરી દેવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે કામગીરીને સ્થિર કરવા માટે ઈન્ડિગોની શિયાળુ નિર્ધારિત ફ્લાઈટ્સમાં 10 ટકાનો કાપ મૂકવાની જાહેરાત પણ કરી છે. IATA એ લગભગ 360 એરલાઇન્સનું એક જૂથ છે, જે વૈશ્વિક હવાઈ ટ્રાફિકના 80 ટકાથી વધુ હિસ્સા માટે જવાબદાર છે. તેના સભ્યોમાં ઈન્ડિગો, એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઇસજેટનો પણ સમાવેશ થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code