દિલ્હીની સુરક્ષામાં વધારો: ટૂંક સમયમાં સ્વદેશી મલ્ટિલેયર્ડ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરાશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)ની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ભારત ટૂંક સમયમાં પોતાની સ્વદેશી મલ્ટિલેયર્ડ ઈન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) તૈનાત કરશે. આ અત્યાધુનિક પ્રણાલી દિલ્હીને દુશ્મનના મિસાઈલ, ડ્રોન અને ઝડપથી ઉડતા ફાઇટર એરક્રાફ્ટ જેવા તમામ હવાઈ જોખમોથી સુરક્ષા પ્રદાન કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રણાલી દેશમાં વિકસાવવામાં આવેલી ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઇલ, વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ અને અન્ય અદ્યતન ઉપકરણો પર આધારિત હશે. IADWSનો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હી અને તેની આસપાસના સંવેદનશીલ સ્થળોને બહુ-સ્તરીય સુરક્ષા કવચ પ્રદાન કરવાનો છે. મે મહિનામાં પાકિસ્તાને ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ સંરક્ષણ મંત્રાલયે આ પ્રોજેક્ટને વેગ આપ્યો છે. દિલ્હીને સુરક્ષિત કરવા માટે સ્વદેશી પ્રણાલીની આ તૈનાતીને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
અગાઉ ભારતે અમેરિકાની NASAMS-II પ્રણાલી ખરીદવાની યોજના બનાવી હતી, જેનો ઉપયોગ અમેરિકા વોશિંગ્ટન ડીસી અને વ્હાઇટ હાઉસની સુરક્ષા માટે કરે છે. બંને દેશો વચ્ચે વાતચીત પણ શરૂ થઈ હતી, પરંતુ અમેરિકન પક્ષ દ્વારા વધુ પડતી કિંમત માંગવામાં આવતા ભારતે આ સોદો આગળ વધાર્યો નહોતો. IADWSની જવાબદારી ભારતીય વાયુસેના (IAF) પાસે રહેશે. DRDO ઉત્પાદન એજન્સીઓ સાથે મળીને જટિલ નેટવર્કિંગ અને કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સિસ્ટમ તૈયાર કરશે, જે બહુ-સ્તરીય એર ડિફેન્સ માળખા માટે જરૂરી છે.
સંરક્ષણ નિષ્ણાતોના મતે, દિલ્હીની સુરક્ષા માટે સ્વદેશી IADWSની તૈનાતી ભારતની ‘આત્મનિર્ભરતા’ અને સંરક્ષણ-વ્યૂહાત્મક ક્ષમતાઓને નવી ઊંચાઈ આપશે. આ પ્રણાલી ન માત્ર દિલ્હીને સુરક્ષિત કરશે પરંતુ ભારતની એર ડિફેન્સ રણનીતિને પણ નવા સ્તરે લઈ જશે.


