સરહદો સુરક્ષિત: ભારત-પાક. સરહદે 93 ટકા તથા બાંગ્લાદેશ સરહદે 79 ટકા ફેન્સિંગનું કામ પૂર્ણ
નવી દિલ્હી: દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવાના પ્રયાસોમાં કેન્દ્ર સરકારને મોટી સફળતા મળી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત-પાકિસ્તાન સરહદના 93 ટકાથી વધુ હિસ્સામાં તાર ફેન્સિંગનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. સંસદમાં આ મહત્વની જાણકારી આપતા ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે, આ જ રીતે બાંગ્લાદેશ સરહદે પણ અંદાજે 79 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની કુલ લંબાઈ 2289.66 કિમી છે. જેમાંથી 213.13 કિમી એટલે કે 93.25 ટકા ભાગ પર ફેન્સિંગ લગાવી દેવામાં આવી છે. હવે માત્ર 14.૫૨ કિમીનો વિસ્તાર બાકી છે, જે મુખ્યત્વે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના દુર્ગમ વિસ્તારોમાં આવેલો છે. વર્ષ 2001માં કારગિલ યુદ્ધ બાદ આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારે ગતિ આવી છે.
ભારત-બાંગ્લાદેશ વચ્ચેની 4096.70 કિમીની લાંબી સરહદમાંથી 3239.92 કિમી (79.08 ટકા) પર તાર ફેન્સિંગનું કામ પૂર્ણ થયું છે, જ્યારે 86.78 કિમી પર કામ ચાલુ છે. બીજી તરફ, ભારત-મ્યાનમારની 1643 કિમીની સરહદ પર અત્યાર સુધી માત્ર 9.21 કિમીમાં જ ફિઝિકલ ફેન્સિંગ થઈ શકી છે. પહાડી અને જંગલ વિસ્તાર હોવાથી ત્યાં કામગીરીમાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
સરકારના મતે, આ ફેન્સિંગથી સીમા પારથી થતી ઘૂસણખોરી, આતંકવાદ અને નશીલા દ્રવ્યોની તસ્કરી પર લગામ કસાશે. નદીઓ અને રણ પ્રદેશ જેવા મુશ્કેલ ભૌગોલિક વિસ્તારોમાં પણ હવે આધુનિક ટેકનોલોજીની મદદથી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી દેશની સુરક્ષા વધુ મજબૂત બને.


