ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારના સંકેત: વન-ડેની કેપ્ટન બદલાય તેવી શકયતા
મુંબઈ 23 ડિસેમ્બર 2025 : (TEAM INDIA) ભારતીય ક્રિકેટ ટીમમાં નેતૃત્વ પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખરાબ ફોર્મ અને નિરાશાજનક નેતૃત્વને કારણે શુભમન ગિલ પાસેથી વન-ડે ટીમની કેપ્ટનશીપ પાછી ખેંચી લેવામાં આવી શકે છે અને તેના સ્થાને અનુભવી ખેલાડી શ્રેયસ અય્યરને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની હલચલ તેજ થઈ છે. તાજેતરમાં જ આગામી T20 વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ટીમમાંથી શુભમન ગિલને પડતો મૂકવામાં આવતા અનેક સવાલો ઉભા થયા હતા. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં ગિલ ત્રણ મેચમાં માત્ર 32 રન જ બનાવી શક્યો હતો. જોકે સત્તાવાર રીતે ઈજાનું કારણ આપી તે છેલ્લી મેચો રમ્યો નહોતો, પરંતુ ચર્ચા એવી છે કે મેનેજમેન્ટે તેને પડતો મૂકવાનો નિર્ણય અગાઉથી જ લઈ લીધો હતો. હવે ગિલ 2026ના T20 વર્લ્ડ કપમાં રમશે નહીં તે નિશ્ચિત મનાય છે.
શ્રેયસ અય્યર હાલમાં વન-ડે ટીમનો વાઈસ-કેપ્ટન છે અને તેની પાસે IPL સહિત ડોમેસ્ટિક ક્રિકેટમાં કેપ્ટનશીપનો બહોળો અનુભવ છે. જો અય્યરને જવાબદારી સોંપવામાં આવશે, તો તે ભારતનો ૨૯મો વન-ડે કેપ્ટન બનશે. સોશિયલ મીડિયા પર પણ ચાહકો હવે અય્યરને કેપ્ટન તરીકે જોવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. ઓક્ટોબર 2025માં ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પૂર્વે ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેના નેતૃત્વમાં ભારત 3 માંથી માત્ર 1 મેચ જીતી શક્યું છે અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી 2-1 થી ગુમાવી હતી. આ આંકડા અને તેનું અંગત ફોર્મ જોતા ત્રણેય ફોર્મેટમાં તેનું ભવિષ્ય હાલ જોખમમાં જણાઈ રહ્યું છે.


