લુધિયાણાના ઉદ્યોગપતિને ડિજિટલ એરેસ્ટ કરી 7 કરોડ પડાવનાર ગેંગ પર EDની ત્રાટક: એક મહિલાની ધરપકડ
નવી દિલ્હી, 26 ડિસેમ્બર 2025: મની લોન્ડરિંગના કેસોમાં કડક કાર્યવાહી કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની જાલંધર ઝોનલ ટીમે લુધિયાણાના જાણીતા ઉદ્યોગપતિ એસ.પી. ઓસવાલને ‘ડિજિટલ એરેસ્ટ’ કરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને આસામ સહિત 11 સ્થળોએ દરોડા પાડીને આ કૌભાંડમાં સંડોવાયેલી રૂમી કલિતા નામની મહિલાની ધરપકડ કરી છે.
- CBI અધિકારી બનીને આચર્યું 7 કરોડનું કૌભાંડ
તપાસમાં બહાર આવ્યું છે કે સાયબર ઠગોએ પોતાને CBI અધિકારી ગણાવીને અને નકલી સરકારી તેમજ ન્યાયિક દસ્તાવેજો બતાવી ઉદ્યોગપતિ એસ.પી. ઓસવાલને ડરાવ્યા હતા. ત્યારબાદ તેમને ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે છેતરીને કુલ 7 કરોડ રૂપિયા અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ પૈકી 5.24 કરોડ રૂપિયા રિકવર કરીને પીડિતને પરત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની રકમ મજૂરો અને ડિલિવરી બોયના નામે ખોલવામાં આવેલા ‘મ્યુલ એકાઉન્ટ્સ’માં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
EDએ 22 ડિસેમ્બર 2025ના રોજ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એજન્સીને અનેક મહત્વના ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો હાથ લાગ્યા છે. લુધિયાણા સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાયેલી FIRના આધારે EDએ PMLA હેઠળ તપાસ શરૂ કરી હતી, જેમાં આ ગેંગ દ્વારા દેશભરમાં આચરવામાં આવેલા અન્ય 9 જેટલા સાયબર ક્રાઈમના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.
EDના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ મહિલા રૂમી કલિતા ઠગાઈની રકમને સગેવગે કરવાનું (મની લોન્ડરિંગ) કામ કરતી હતી. તે ગરીબ લોકોના બેંક ખાતાઓની વિગતોનો ઉપયોગ કરીને નાણાં ફેરવતી હતી અને બદલામાં કમિશન મેળવતી હતી. રૂમી કલિતાને ગુવાહાટીની કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધા બાદ જાલંધરની સ્પેશિયલ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે આરોપીને 2 જાન્યુઆરી 2026 સુધી 10 દિવસના ED રિમાન્ડ પર મોકલી આપી છે.


