નાઇજીરિયામાં ISISના ઠેકાણાઓ પર અમેરિકી સેનાનો બોમ્બમારો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકાએ ઉત્તર-પશ્ચિમ નાઇજીરિયામાં ISIL (ISIS)ના આતંકીઓ વિરુદ્ધ હવાઈ હુમલો કર્યો છે. ખાસ વાત એ રહી કે ટ્રમ્પે આ માહિતી આપવા માટે ક્રિસમસના દિવસની પસંદગી કરી હતી.
ટ્રમ્પે પોતાના ‘ટ્રુથ સોશિયલ’ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહ્યું, ” રાત્રે, કમાન્ડર-ઇન-ચીફ તરીકે મારા નિર્દેશ પર અમેરિકાએ ઉત્તર-પશ્ચિમ નાઇજીરિયામાં ISIS આતંકવાદીઓ વિરુદ્ધ એક શક્તિશાળી અને ઘાતક હુમલો કર્યો છે.”
તેમણે કહ્યું કે ISIS આતંકવાદીઓએ મુખ્યત્વે નિર્દોષ ખ્રિસ્તીઓને નિશાન બનાવ્યા અને નિર્દયતાથી તેમની હત્યા કરી, જે વર્ષો અને સદીઓમાં ક્યારેય જોવા મળી નહોતી. ટ્રમ્પે ઉમેર્યું, “મેં અગાઉ જ આ આતંકવાદીઓને ચેતવણી આપી હતી કે જો તેઓ ખ્રિસ્તીઓનો નરસંહાર બંધ નહીં કરે તો તેમને તેનું પરિણામ ભોગવવું પડશે અને આજે રાત્રે એવું જ થયું.”
અમેરિકી સેનાની આફ્રિકા કમાન્ડ (AFRICOM) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું કે આ હવાઈ હુમલો નાઇજીરિયન સત્તાવાળાઓની વિનંતી પર કરવામાં આવ્યો હતો અને તેમાં ‘અનેક આતંકવાદીઓ’ માર્યા ગયા છે.
અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથે લખ્યું, “હું નાઇજીરિયન સરકારના સમર્થન અને સહયોગ માટે આભારી છું.” તેમણે ચેતવણી આપી કે હજુ પણ ઘણું થવાનું બાકી છે. AFRICOM એ જણાવ્યું કે આ હુમલો નાઇજીરિયાના સોકોટો રાજ્યમાં થયો હતો.


