અમદાવાદ, 3 જાન્યુઆરી 2026 : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે ઠંડીના જોરમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી જેટલું નીચું જતાં વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ વધતા જનજીવન પ્રભાવિત થયું છે.
રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક હબ અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં તાપમાન 3.1 ડિગ્રી ઘટતા પારો 15.3 ડિગ્રી પર સ્થિર થયો છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું છે, જે પાછલા દિવસો કરતા ઘણું ઓછું છે. કચ્છનું નલિયા 10.8 ડિગ્રી સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે તાપમાન ગગડ્યું હોવા છતાં હવામાન વિભાગનું માનવું છે કે પારો હજુ પણ સામાન્ય કરતા 2 થી 4 ડિગ્રી ઊંચો જ છે. જાન્યુઆરી માસમાં જે સ્તરની હાડ થીજવતી ઠંડી પડે છે, તેવી સ્થિતિ માટે હજુ ગુજરાતીઓએ થોડી રાહ જોવી પડી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ઠંડીનો આ નવો રાઉન્ડ બહુ લાંબો સમય નહીં ટકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને પવનોની દિશા બદલાવાને કારણે તાપમાનમાં ફરી ધીમે-ધીમે વધારો થવાની શક્યતા છે. આ ફેરફારને પગલે આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે અને હૂંફાળું વાતાવરણ રહેશે.


