1. Home
  2. ગુજરાતી
  3. બાંગ્લાદેશમાં સુરક્ષા સંકટ: જેલબ્રેક બાદ 713 રીઢા ગુનેગારો હજુ પણ ફરાર
બાંગ્લાદેશમાં સુરક્ષા સંકટ: જેલબ્રેક બાદ 713 રીઢા ગુનેગારો હજુ પણ ફરાર

બાંગ્લાદેશમાં સુરક્ષા સંકટ: જેલબ્રેક બાદ 713 રીઢા ગુનેગારો હજુ પણ ફરાર

0
Social Share

ઢાકા, 3 જાન્યુઆરી 2026:  બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સરકારના પતન દરમિયાન થયેલી હિંસાનો ફાયદો ઉઠાવી જેલમાંથી ભાગેલા સેંકડો કેદીઓ હજુ પણ પોલીસ પકડથી બહાર છે. પ્રતિષ્ઠિત દૈનિક ‘બાણિક બાર્તા’ના અહેવાલ મુજબ, દેશની વિવિધ જેલોમાંથી ફરાર થયેલા કુલ 2,232 કેદીઓમાંથી 713 કેદીઓ હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ ફરાર કેદીઓમાં અનેક ‘હાઈ-રિસ્ક’ અને ખતરનાક ગુનેગારોનો સમાવેશ થાય છે, જેને કારણે સામાન્ય જનતાની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે.

સરકાર વિરોધી આંદોલન સમયે દેશની 17 જેલોમાં કેદીઓએ ભારે ઉત્પાદ મચાવ્યો હતો. સ્થિતિ એટલી હદે વણસી હતી કે નરસિંગડી, શેરપુર અને સતખીરા જેલોમાંથી તમામ કેદીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. નરસિંગડી જેલમાંથી 826, શેરપુર જેલમાંથી 500, સતખીર જેલમાંથી 600, કાશીમપુર હાઈ-સિક્યોરિટી જેલમાંથી 200, કુશ્તિયા જેલમાંથી 105 જેટલા ખુંખાર ગુનેગાર ફરાર થઈ ગયા હતા.

સરકાર અને સુરક્ષા એજન્સીઓના સતત સર્ચ ઓપરેશન છતાં અત્યાર સુધી માત્ર 1,519 કેદીઓને જ ફરીથી જેલ ભેગા કરી શકાયા છે. બાકીના 713 કેદીઓ ક્યાં છે તેની કોઈ ભાળ મળી નથી. જેલ વિભાગના મતે, આ ફરાર કેદીઓમાં અનેક કુખ્યાત અપરાધીઓ છે જે સમાજ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.

સૌથી ગંભીર બાબત એ છે કે જેલબ્રેક દરમિયાન જેલોમાંથી મોટી માત્રામાં આધુનિક હથિયારોની લૂંટ થઈ હતી. જેમાં ચીની રાઈફલો અને શૉટગનનો સમાવેશ થાય છે. હજુ સુધી આ તમામ હથિયારો પરત મળી શક્યા નથી. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે હથિયારો સાથે ફરાર થયેલા આ ગુનેગારો સંગઠિત અપરાધ, લૂંટફાટ અને હિંસક પ્રવૃત્તિઓને અંજામ આપી શકે છે, જે દેશની કાયદો અને વ્યવસ્થાને સંપૂર્ણપણે ખોરવી નાખશે.

બાંગ્લાદેશ જેલ વિભાગે કાયદા અમલીકરણ એજન્સીઓને ફરાર કેદીઓ સામે કડક કાર્યવાહી કરવા અને તેમને વહેલી તકે પકડી પાડવા વિનંતી કરી છે. સુરક્ષા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો બાંગ્લાદેશમાં ગુનાખોરીનો દર આસમાને પહોંચી શકે છે.

આ પણ વાંચોઃઅમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code