સાઉથ બોપલમાં પતંગ-ફટાકડાના સ્ટોલમાં લાગી આગ, ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ
અમદાવાદ, 5 જાન્યુઆરી 2026 : શહેરના વિકસિત ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં ગત મોડી રાત્રે આગની એક ભયાનક ઘટના સામે આવી છે. જાણીતા સેન્ટર પાસે પતરાના શેડમાં તૈયાર કરવામાં આવેલા પતંગ અને ફટાકડાના કામચલાઉ સ્ટોલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફટાકડાના સ્ટો સ્ટોકને કારણે આગે મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ધડાકાના અવાજથી ભયનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, પતંગ અને ફટાકડાના આ સ્ટોલમાં રાખેલી જ્વલનશીલ વસ્તુઓએ તરત જ આગ પકડી લીધી હતી. ફટાકડા ફૂટવાના અવાજોને કારણે સ્થાનિક રહીશો ઊંઘમાંથી જાગી ગયા હતા અને રસ્તા પર દોડી આવ્યા હતા. આગની તીવ્રતા એટલી વધુ હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ દેખાતી હતી.
આગ દરમિયાન એક પ્રચંડ વિસ્ફોટ સંભળાતા લોકોમાં ફાળ પડી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, સ્ટોલમાં રાખવામાં આવેલો એક ગેસ સિલિન્ડર ગરમીના કારણે ફાટ્યો હતો. આ સિલિન્ડર બ્લાસ્ટને કારણે આસપાસની મિલકતો અને દુકાનોના કાચ તથા માળખાને પણ નુકસાન પહોંચ્યું હતું. પતંગ અને ફટાકડા જેવી સામગ્રી હોવાથી પળવારમાં બધું જ બળીને રાખ થઈ ગયું હતું.
ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરે તે પહેલાં કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી અને સ્ટોલ બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. જો આ ઘટના દિવસના સમયે બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલ (FSL)ની મદદ લેવામાં આવી શકે છે.


