અમદાવાદ: સી.જી. રોડ પર સ્પીડના શોખે માસૂમનો જીવ લીધો, સ્પોર્ટ્સ બાઈકે શ્રમિક યુવકને કચડ્યો
અમદાવાદ, 5 જાન્યુઆરી 2026: શહેરના પોશ ગણાતા સી.જી. રોડ પર મોડી રાત્રે ‘મોતના તાંડવ’ જેવી ઘટના સામે આવી છે. મોંઘીદાટ સ્પોર્ટ્સ બાઈક લઈને સ્ટંટ અને સ્પીડના ક્રેઝમાં નીકળેલા એક નબીરાએ રસ્તો ઓળંગી રહેલા 2 વર્ષીય આશાસ્પદ શ્રમિક યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, સી.જી. રોડ વિસ્તારમાં મજૂરીકામ કરી પેટિયું રળતો પ્રકાશ ડિંડોર નામનો યુવક ગત રાત્રે તેના મિત્ર મહેન્દ્ર ચૌહાણ સાથે જમ્યા બાદ લટાર મારવા નીકળ્યો હતો. મરડિયા પ્લાઝા પાસે જ્યારે બંને મિત્રો સાવચેતીપૂર્વક રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલી એક સ્પોર્ટ્સ બાઈકે પ્રકાશને પોતાની અડફેટે લીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બાઈકની ગતિ એટલી પ્રચંડ હતી કે પ્રકાશ બાઈક નીચે કચડાઈ ગયો હતો અને માથાના ભાગે જીવલેણ ઈજા થતા તેનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
અકસ્માત સર્જનાર બાઈક ચાલકની ઓળખ સુફિયાન મુસ્તુફા (રહે. ગોતા, PG) તરીકે થઈ છે. ટક્કર એટલી જોરદાર હતી કે અથડામણ બાદ ચાલક પોતે પણ રોડ પર ફંગોળાયો હતો. હાલમાં ઈજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. પોલીસે અકસ્માત સ્થળના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે, જેથી બાઈકની ચોક્કસ ઝડપ અને અકસ્માત કઈ રીતે સર્જાયો તેની પુષ્ટિ થઈ શકે.
(ફોટો- પ્રતિકાત્મરક)
આ પણ વાંચોઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર વિશે લેખ લખ્યો, જાણો શું કહ્યું?


