અદાણી મુન્દ્રા પોર્ટે ક્રૂડ ઓઇલ લોજિસ્ટિક્સમાં નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો
- દેશમાં સૌ પ્રથમ વાર સંપૂર્ણ ભરેલા VLCCનું સફળ બર્થિંગ
મુંદ્રા પોર્ટે ભારતના દરિયાઈ ઇતિહાસમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ તેના મુન્દ્રા બંદર પર ભારતના પ્રથમ વેરી લાર્જ ક્રૂડ કેરિયર (VLCC) ના સફળ બર્થિંગની ઉપલબ્ધિ હાંસલ કરી છે. માઉન્ટ ન્યૂ રેનોન, જહાજ 3.3 લાખ ક્યુબિક મીટરની વિશાળ કાર્ગો ક્ષમતા સાથે મુંદ્રા બંદર ઉપર બર્થ કરાયું હતું, મુન્દ્રા ભારતનું પ્રથમ એવુ બંદર છે જે આવા સંપૂર્ણ લોડેડ જહાજને સફળતાપૂર્વક હેન્ડલ કરે છે.
મુન્દ્રા બંદર ખાતે સંપૂર્ણપણે ભરેલા VLCC ને સીધું જેટી ઉપર સુરક્ષિત, ઝડપી, ખર્ચ-કાર્યક્ષમ રીતે બર્થ કરીને ક્રૂડ હેન્ડલિંગ પ્રદાન કરાયું. આ સિદ્ધિ ભારતની વિસ્તરતી ઉર્જા અને વેપાર મહત્વાકાંક્ષાઓ સાથે સુસંગત વિશ્વ-સ્તરીય અને ભવિષ્ય માટે તૈયાર માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે APSEZ ની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સંપૂર્ણપણે ભરેલા VLCCને સીધા જેટી બર્થિંગ વખતે અનેક પ્રકારની કાળજી રાખવી પડે છે. આ જહાજોના બર્થીંગ માટે વિશાળ ડ્રાફ્ટ, ડિસ્પ્લેસમેન્ટ અને સહાયક માળખાની જરૂરિયાતના કારણે વૈશ્વિકસ્તરે જૂજ બંદરો પર ઉપલબ્ધ છે. આ બેન્ચમાર્ક સાથે મુન્દ્રા પોર્ટનો વૈશ્વિક ક્રૂડ હેન્ડલિંગ હબના જૂથમાં સમાવેશ થયો છે. તે આંતરરાષ્ટ્રીય દરિયાઈ અને ઉર્જા નકશા પર ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
મુન્દ્રા પોર્ટ આંતરરાષ્ટ્રીય વેપાર અને ઊર્જા સુરક્ષામાં ભારતની વધતી જતી કુશળતાનો પુરાવો છે. તોફાની દરિયાઈ પરિસ્થિતિઓ અને પડકારજનક હવામાનમાં ધ માઉન્ટ ન્યૂ રેનોનનું બર્થીંગ મુશ્કેલ કાર્ય હતું. જો કે, APSEZ મુંદ્રાની મરીન ટીમ અને પોર્ટ મેનેજમેન્ટે તેમાં કુશળતા, સંકલન અને ઓપરેશનલ શ્રેષ્ઠતા દાખવી.
ભારતની સૌથી વ્યૂહાત્મક રિફાઇનિંગ અસેટ્સમાંની એક મુન્દ્રાની VLCC જેટ્ટી લગભગ 489 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા બાડમેર સ્થિત HPCL રિફાઇનરી સાથે જોડાયેલી છે. તે ભારતની ઉર્જા સુરક્ષા, મોટા પાયે ક્રૂડ આયાતની કાર્યક્ષમતા, સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતા તેમજ ગુજરાત અને રાજસ્થાનના આર્થિક વિકાસને વેગ આપે છે.

મુન્દ્રા સ્થિત ભારતની પ્રથમ VLCC જેટ્ટી પોર્ટ એન્જિનિયરિંગમાં અનેક રીતે મહત્વપૂર્ણ છે. તેની લંબાઈ 400 મીટર, બર્થ પોકેટ ઊંડાઈ: 25 મીટર, LOA: 333 મીટર અને મહત્તમ 360,000 મેટ્રિક ટન વિસ્થાપન ધરાવે છે. તેનો મહત્તમ ડ્રાફ્ટ 21.6 મીટર અને મહત્તમ ડિસ્ચાર્જ દર 10,000-12,000 m³ પ્રતિ કલાક વચ્ચે છે. ચાર બ્રેસ્ટિંગ ડોલ્ફિન, ઉચ્ચ-ક્ષમતાવાળા હૂક (દરેક 150 ટન SWL સુધી) થી સજ્જ છ મૂરિંગ ડોલ્ફિન અને મહાકાય જહાજો માટે અદ્યતન ફેન્ડર સિસ્ટમ્સનું દરિયાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે.
કચ્છના અખાતમાં સ્થિત મુન્દ્રા વ્યૂહાત્મક રીતે ઉત્તર અને પશ્ચિમ ભારત માટે મહત્વપૂર્ણ દરિયાઈ પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે. ઓલ-વેધર બંદરમાં 27 ઓપરેશનલ બર્થ, બે SPM અને વિવિધ શ્રેણીના કાર્ગોને હેન્ડલ કરવાની તેની ક્ષમતા છે.
મુન્દ્રા ભારતનું સૌથી મોટું કન્ટેનર હેન્ડલિંગ બંદર પણ છે, તે કન્ટેનર, આયાતી કોલસો અને વાણિજ્યિક કાર્ગો હેન્ડલિંગની ક્ષમતાઓમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરે છે. 2024-25 માં એક જ વર્ષમાં 200 મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું હેન્ડલ કરનાર તે ભારતમાં પ્રથમ પોર્ટ હતું. મુન્દ્રા પોર્ટની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા માટે 2024 અને 2025 માટે વિશ્વ બેંકના કન્ટેનર પોર્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (CPPI) માં માન્યતા આપવામાં આવી હતી.
VLCCનું આ સફળ બર્થિંગ ભારતના દરિયાઇ ઇતિહાસમાં એક નવો અધ્યાય છે, જે દેશને વૈશ્વિક ક્રૂડ ઓઇલ લોજિસ્ટિક્સમાં એક પ્રબળ ખેલાડી તરીકે સ્થાન આપે છે.


