સોમનાથમાં ભક્તિનો મહાસાગર: પીએમ મોદી ‘ઓમકાર’ મંત્રના જાપમાં થયા સામેલ
- ડ્રોન શો દ્વારા સોમનાથના ઇતિહાસને ઉજાગર કરાયોઃ જોનાર સૌ મંત્રમુગ્ધ
વેરાવળ (ગુજરાત), 10 જાન્યુઆરી, 2026: PM Modi joins in chanting ‘Omkar’ mantra વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રથમ જ્યોતિર્લિંગના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. વડાપ્રધાને અહીં પરંપરાગત વિધિ-વિધાન સાથે વિશેષ પૂજા-અર્ચના કરી દેશની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
મંત્રોચ્ચાર વચ્ચે ભક્તિમાં લીન: મંદિર પરિસરમાં ત્યારે એક દિવ્ય વાતાવરણ સર્જાયું જ્યારે વડાપ્રધાન ‘ઓમકાર’ મંત્ર અને ‘ઓમ નમઃ શિવાય’ ના સામૂહિક જાપ કાર્યક્રમમાં સામેલ થયા. ગર્ભગૃહમાં પૂજન કર્યા બાદ, પીએમ મોદીએ મંદિરના પ્રાંગણમાં આયોજિત મંત્રોચ્ચાર સત્રમાં ભાગ લીધો હતો. ભક્તિભાવમાં ડૂબેલા વડાપ્રધાન લાંબો સમય હાથ જોડીને મંત્રોના જાપ કરતા જોવા મળ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે તેમણે મંદિરના વિકાસ કાર્યો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ અંગે ટ્રસ્ટીઓ સાથે ચર્ચા પણ કરી હતી.
- ભગવાન સોમનાથ સમક્ષ અરબી સમુદ્રના આકાશમાં ત્રણ હજાર ડ્રોનથી સર્જાયા ચિત્રો
- વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા ડ્રોન શો નિહાળી યાત્રિકો મંત્રમુગ્ધ
- ડ્રોન થકી આકાશમાં સર્જાયા ત્રિશૂળ, ઓમ, વીર હમીરજી, અહલ્યાબાઈ હોલ્કર, સરદાર વલ્લભભાઈ પટેલ, નરેન્દ્રભાઇ મોદીના ચિત્રો સર્જાયા
- ડ્રોન શો બાદ સોમનાથ મંદિર નજીકનો દરિયા કિનારો ભવ્ય આતશબાજીથી ઝળહળી ઊઠ્યો
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો.
એક સાથે 3000 ડ્રોન દ્વારા ભવ્ય દૃશ્યો સર્જાયાં
આ ડ્રોન શોમાં અંદાજે ૩૦૦૦ જેટલા ડ્રોનના સહારે અરબી સમુદ્ર ઉપર આકાશમાં પ્રકાશના સુમેળભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુચિત્રો સર્જવામાં આવ્યા હતા. આકાશમાં ઊભરાતા પ્રકાશમય દૃશ્યો લોકઆકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા.
ડ્રોન લાઈટના માધ્યમથી ત્રિશૂળ, ઓમ, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, વીર હમીરજી, અહલ્યાભાઈ હોલ્કર, સોમનાથ પર આક્રમણ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાભિમાન પર્વનો લોગો તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બિંદુચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તમામ ચિત્રોએ ભારતીય સંસ્કૃતિ, આત્મગૌરવ અને રાષ્ટ્રીય અભિમાનનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું.
આ ભવ્ય ડ્રોન શોનું સંચાલન કુલ ૪૦ પ્રશિક્ષિત ઓપરેટરો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. આશરે ૧૫ મિનિટ સુધી ચાલેલા આ શોએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મંદિરના પટાંગણમાં ઉપસ્થિત રહી આ ભવ્ય ડ્રોન શો નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ પણ આ અદભૂત દૃશ્યાવલિ નિહાળી ગૌરવ અને આનંદની લાગણી અનુભવી હતી.
ડ્રોન શો પૂર્ણ થયા બાદ તુરંત જ નજીકના દરિયા કિનારે ભવ્ય આતશબાજી થઈ હતી, વિવિધ પ્રકારના ક્રેકર્સથી આકાશ રંગેરંગી થઈ ગયું હતું.


