સરહદ પર પાકિસ્તાનનું ફરી નાપાક કૃત્ય: રાજૌરીમાં LoC પાસે દેખાયું ડ્રોન
નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: 26 જાન્યુઆરી ‘પ્રજાસત્તાક દિવસ‘ પૂર્વે જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી ડ્રોન ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સાંબા બાદ હવે રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરના ડુંગા ગાલા વિસ્તારમાં અંકુશ રેખા (LoC) પાસે એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. ભારતીય સેનાના સતર્ક જવાનોએ ડ્રોન જોતાની સાથે જ તેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેના કારણે ડ્રોન પરત પાકિસ્તાન તરફ ભાગી ગયું હતું.
- સુરક્ષા દળો હાઈ એલર્ટ પર, સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન
ડ્રોનની ગતિવિધિ બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓ સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. સમગ્ર સેક્ટરમાં દેખરેખ વધારી દેવામાં આવી છે અને ડ્રોન દ્વારા કોઈ વાંધાજનક વસ્તુ કે હથિયારો તો નથી ફેંકવામાં આવ્યા ને, તે ચકાસવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
છેલ્લા ત્રણ દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં ડ્રોન દેખાવાની આ બીજી મોટી ઘટના છે. અગાઉ રવિવારે પણ અલગ-અલગ વિસ્તારોમાં એકસાથે **5 ડ્રોન** જોવા મળ્યા હતા. આ ડ્રોન પાકિસ્તાન તરફથી ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા. નૌશેરા સેક્ટર, ધર્મશાલ, રિયાસી, સાંબા અને પૂંચના મંકોટ સેક્ટરમાં આ ડ્રોન સ્પોટ થયા હતા. જોકે, સેનાની સક્રિયતા જોઈને આ ડ્રોન થોડીવારમાં જ પરત ફર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 9 જાન્યુઆરીના રોજ સાંબામાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પાસે ઘગવાલના પાલૂરા ગામમાં હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે આ ખેપ પાકિસ્તાનથી આવેલા ડ્રોન દ્વારા પાડવામાં આવી હતી. જેમાં બે પિસ્તોલ, 3 મેગેઝીન, 16 રાઉન્ડ કારતુસ અને એક ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ફ્રેન્ચ રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર અને NSA અજિત ડોભાલ વચ્ચે બેઠક મળી


