વહેલી પરોઢે ધરા ધ્રૂજી: અમરેલી અને વાંસદામાં ભૂકંપના આંચકા
ગાંધીનગર, 14મી જાન્યુઆરી 2026: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ફરી એકવાર ભૂકંપની ગતિવિધિઓ જોવા મળી છે. આજે વહેલી પરોઢે સૌરાષ્ટ્રના અમરેલી અને દક્ષિણ ગુજરાતના વાંસદા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, આ આંચકાઓની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ તહેવારના દિવસે ધરા ધ્રૂજતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના રિપોર્ટ અનુસાર, મધ્યરાત્રિ બાદ 2.23 કલાકે અમરેલીમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.5 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 37 કિમી દક્ષિણ-પશ્ચિમ દિશામાં જમીનથી 11 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. એટલું જ નહીં તે જ સમયે એટલે કે 02:23 વાગ્યે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા પંથકમાં પણ ભૂકંપ નોંધાયો હતો. અહીં રિક્ટર સ્કેલ પર તીવ્રતા 1.6 નોંધાઈ હતી. આ આંચકો અત્યંત હળવો હતો અને તેનું કેન્દ્રબિંદુ વાંસદાથી 8 કિમી દક્ષિણ-પૂર્વ દિશામાં માત્ર 1.6 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપના બે આંચકાને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
અમરેલી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર ‘ભૂકંપના આંચકા’ અનુભવાતા રહે છે, જેના કારણે સ્થાનિકોમાં એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આ માઈક્રો આંચકા હતા અને તેનાથી ગભરાવાની જરૂર નથી.
(PHOTO-FILE)


