દિલ્હી-NCRમાં હવામાન પલટાશે: વરસાદની આગાહી
નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026 : દિલ્હી-NCRના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવવા જઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગએ આવતીકાલ એટલે કે 23 જાન્યુઆરી માટે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આ દિવસે સમગ્ર વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થવાના આસાર છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે (22 જાન્યુઆરી) દિલ્હી-NCRમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. જોકે, 23 જાન્યુઆરીએ વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ જશે. આ દિવસે મહત્તમ તાપમાન ઘટીને 20 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની વકી છે. સવારથી લઈને રાત સુધી આખો દિવસ વરસાદ અને વીજળીના કડાકા-ભડાકા ચાલુ રહી શકે છે.
વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદ બાદ 24 અને 25 જાન્યુઆરીએ ફરી એકવાર ઠંડીનું જોર વધશે. 24 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી અને 25 જાન્યુઆરીએ વધુ ઘટીને 6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ બંને દિવસોમાં સવારના સમયે મધ્યમ ધુમ્મસ છવાયેલું રહેશે.
હવામાનના પલટા વચ્ચે દિલ્હી-NCRની હવાની ગુણવત્તાએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ ‘બેહદ ખરાબ’ થી ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાયો છે. ગાઝિયાબાદના લોની અને વસુંધરામાં AQI 375, ઈન્દિરાપુરમમાં 341, નોઈડાના સેક્ટર-125માં 338, સેક્ટર-1માં 325 તેમજ દિલ્હીના આનંદ વિહારમાં સૌથી વધુ 382 AQI, ચાંદની ચોકમાં 363, આર.કે. પુરમમાં 359 અને પંજાબી બાગમાં 345 નોંધાયો છે.
હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, 23 તારીખે થનારા વરસાદ અને તેજ પવનથી વાયુ પ્રદૂષણમાં કામચલાઉ રાહત મળી શકે છે, પરંતુ ત્યારબાદ વધતી ઠંડી અને ધુમ્મસને કારણે સ્થિતિ ફરી બગડવાની ભીતિ છે.


