ઉત્તરપ્રદેશમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં યુવાને ગુમાવ્યો જીવ, VIDEO વાયરલ
લખનૌ, 31 જાન્યુઆરી 2026: છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં વીડિયો રિલ્સનો પ્રભાવ વધ્યો છે એટલું જ નહીં રિલ્સ બનાવવાના ચક્કરમાં અગાઉ અનેક યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં યુવાનો જીવ ગુમાવ્યો હતો. બરેલી જિલ્લાના નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિજૌરિયા રેલવે સ્ટેશન પાસે નિર્માણાધીન ફ્લાઈઓવર પાસે રિલ્સ બનાવતા 22 વર્ષીય મોહમ્મદ ફૈઝાનનું એક દૂર્ઘટનામાં મોત થયું હતું. યુવાન હેરડ્રેસર તરીકે કામ કરીને પરિવારને આર્થિક મદદ કરતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર બિજોરિયા રેલવે સ્ટેશન પાસે ફ્લાયઓવર બનાવવાની કામગીરી પૂર ઝડપથી ચાલી રહી છે. જેથી રોડની સાઈડમાં સીમેન્ટના વજનદાર સ્બેલ રાખવામાં આવ્યા હતા. દરમિયાન રિછોલા ગામનો ફૈઝાન અને તેનો મિત્ર અનુજ અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સોશિયલ મીડિયા માટે રિલ્સ બનાવવાનો ફૈઝાનને વિચાર આવ્યો હતો. તેમજ એક સ્બેલ ઉપર ચડીને પોઝ આપી રહ્યો હતો. દરમિયાન અચાનક તેનો પગ લપસ્યો હતો અને સંતુલન ગુમાવતા યુવાન નીચે પટકાયો હતો. આ દરમિયાન ફૈઝાન ઉપર એક વજનદાર સ્બેલ પણ પડ્યો હતો. માથી ઉપર ગંભીર ઈજાને કારણે યુવાનનું ઘટના સ્થલ પર મોત થયું હતું.
આ બનાવને પગલે આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ પરિવારને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ તેમણે કાનૂની કાર્યવાહી અને પીએમ કરાવવાનો ઈન્કાર કરીને મૃતદેહ પોતાની સાથે ઘરે લઈ ગયા હતા.


