ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોનનું મુંબઈમાં ભવ્ય સ્વાગત
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2026: ભારત અને ફ્રાન્સ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન મંગળવારે ભારત પહોંચ્યા છે. મુંબઈ એરપોર્ટ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર-ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન આજે મુંબઈના લોક ભવનમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ સંયુક્ત રીતે ‘ઇન્ડિયા-ફ્રાન્સ યર ઓફ ઇનોવેશન 2026’ લોન્ચ કરશે. આ કાર્યક્રમમાં બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ સ્થાપકો અને સંશોધકો પણ સહભાગી થશે.
રાષ્ટ્રપતિ મેક્રોન 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન ભારતના સત્તાવાર પ્રવાસે છે. મેક્રોનની આ ચોથી ભારત મુલાકાત છે, પરંતુ મુંબઈમાં તેમનો આ પ્રથમ સત્તાવાર કાર્યક્રમ છે. રાષ્ટ્રપતિ 19 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં આયોજિત ‘એઆઈ ઇમ્પેક્ટ સમિટ’માં પણ હાજરી આપશે. રાષ્ટ્રપતિ મેક્રોન અને પીએમ મોદી સંરક્ષણ, વેપાર, સંસ્કૃતિ અને ડિજિટલ ક્ષેત્રે થયેલી પ્રગતિની સમીક્ષા કરશે.
ભારત આવતા પહેલા રાષ્ટ્રપતિ મેક્રોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર ગુજરાતી અને હિન્દી પ્રેમીઓનું ધ્યાન ખેંચતા લખ્યું હતું કે, તેઓ મુંબઈથી નવી દિલ્હી સુધીના આ પ્રવાસ દ્વારા બંને દેશોની ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જવા માંગે છે. તેમણે વડાપ્રધાન મોદીને ‘પ્રિય મિત્ર’ કહીને સંબોધ્યા હતા. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ મુલાકાતથી ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ મળશે અને પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દાઓ પર સમાન વિચારધારા વિકસશે.
આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી મંગળવારે મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને મળશે


