વિશ્વના લગભગ 60 ટકા જંગલી એશિયાઈ હાથીઓ ભારતમાંઃ કીર્તિ વર્ધન સિંહ
નવી દિલ્હી, 12 ઓગસ્ટ 2026: વિશ્વ હાથી દિવસ 2026ના અવસરે, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે હાથીઓ અને માનવજાતના સહઅસ્તિત્વપૂર્ણ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, મંત્રીએ નોંધ્યું હતું કે ભારત 14 રાજ્યોમાં 33 હાથી અનામત ક્ષેત્રો અને 150 વૈજ્ઞાનિક રીતે ચકાસાયેલા એલિફન્ટ કોરિડોર ધરાવે છે. ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે અદ્યતન વસ્તી મોનિટરિંગ અને મજબૂત પગલાં માનવ-હાથી સંઘર્ષને ઘટાડશે અને હાથી સંરક્ષણને મજબૂત બનાવશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે આપણે હાથીઓના ભવિષ્યને સુરક્ષિત કરીએ છીએ, ત્યારે આપણે આપણા જંગલો, જૈવવિવિધતા અને નિવસનતંત્રીય વારસાને સુરક્ષિત કરીએ છીએ”. મંત્રીએ આવનારી પેઢીઓ સુધી હાથીઓ ભારતના જંગલો અને કુદરતી વિસ્તારોમાં મુક્તપણે ફરી શકે તે માટે જરૂરી પગલાં લેવાનું આહ્વાન કર્યું હતું. દરમિયાન સોશિયલ મીડિયા પોસ્ટમાં, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે ભારત પૃથ્વી પરના સૌથી સમૃદ્ધ અને વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સમાંથી એકનું ઘર છે. તેમણે વધુમાંકહ્યું કે વિશ્વના લગભગ 60 ટકા જંગલી એશિયાઈ હાથીઓ ભારતમાં રહે છે, જે તેમને દેશના નિવસનતંત્રીય વારસાનું જીવંત પ્રતીક બનાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતના હાથી અભયારણ્યો વન્યજીવ સંરક્ષણ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.
કીર્તિ વર્ધન સિંહે ઇકોસિસ્ટમ એન્જિનિયર્સ તરીકે હાથીઓની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે જેમ જેમ હાથીઓ દૂર સુધી વિસ્તરે છે, તેમ તેઓ લાંબા અંતર સુધી બીજ ફેલાવે છે, જે નવા છોડને જન્મ આપે છે અને હાથીનું દરેક પગલું કુદરતને સંતુલનમાં રાખવામાં મદદ કરે છે. તેમણે આ સૌમ્ય ગજરાજના રક્ષણ અને સંરક્ષણ માટે સહુને એક થવા માટે આહ્વાન કર્યું હતું.


